December 23, 2024

અહો આશ્ચર્યમ: કામના ભારણથી Robotની આત્મહત્યાનો પહેલો કિસ્સો!

South Korea: આત્મહત્યાના અનેક કિસ્સાઓ દુનિયાભરમાં અવારનવાર સામે આવતા રહે છે. ટેકનોલોજીના સમયમાં જીવન ટૂંકાવનાર લોકોની સંખ્યા પણ આશ્ચર્યજનક રીતે વધી રહી છે. દરેક દેશ પોતપોતાની રીતે આ સમસ્યાનું સમાધાન કરવા માટે લોકોનું કાઉન્સિલિંગ પણ કરે છે. તો, સાથે સાથે લોકોને દવાઓ પણ આપીને સારવાર કરવામાં આવતી હોય છે. પરંતુ, હવે આત્મહત્યાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને સૌને ચોંકાવી દીધા છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે આ આત્મહત્યાનો કિસ્સો આ પ્રકારનો સૌપ્રથમ કેસ છે. આ કેસ દક્ષિણ કોરિયાથી સામે આવ્યો છે જેમાં કોઈ વ્યક્તિએ નહિ પરંતુ એક રોબોટે આત્મહત્યા કરી લીધી છે. સેન્ટ્રલ સાઉથ કોરિયામાં એક નગરપાલિકાએ જાહેરાત કરી છે કે તે આત્મહત્યાના એક કેસની તપાસ કરશે જેમાં એક રોબોટે પોતાને સીડીઓ પરથી નીચે પટકી દીધો હતો.

મીડિયા અહેવાલ મુજબ, આ રોબોટ નગર નિગમના કામોમાં સહાયક તરીકે કામ કરતો હતો. નગર નિગમની ટીમના એક અધિકારીએ કહ્યું છે કે રોબોટ લગભગ એક વર્ષથી ગુમઈ શહેરની જનતાના વહીવટી કાર્યોમાં મદદ કરી રહ્યો હતો. તે ગત સપ્તાહે સીડીઓ પાસે નિષ્ક્રિય અવસ્થામાં મળી આવ્યો હતો. એટલે કે તે એક્ટિવ નહોતો. અધિકારીઓનું કહેવું છે કે નજરે જોનાર લોકોએ રોબોટને સીડીથી પડતાં પહેલા અહી-તહી આંટાફેરા કરતો મુંજાયેલી સ્થિતિમાં ફરતો જોયો હતો, જાણે કે તેમ કોઈ ગડબડ હોય. તેમણે વધુમાં જણાવ્યું કે સમગ્ર ઘટના કયા સંજોગોમાં બની તેની તપાસ કરવામાં આવશે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે રોબોટ છેલ્લા કેટલાય સમયથી કામના તણાવમાં હતો.

અધિકારીઓએ આગળ જણાવ્યું છે કે રોબોટના પાર્ટસ એકત્રિત કરી લેવામાં આવ્યા છે અને તેને ડિઝાઇન કરનાર કંપની તેનું વિશ્લેષણ કરશે. અન્ય એક અધિકારીએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે આ રોબો સત્તાવાર રીતે શહેરની નગર પાલિકાનો ભાગ હતો અને અમારામાંથી જ એક હતો. કેલિફોર્નિયાની બિયર રોબોટિક્સ દ્વારા ડેવલપ કરવામાં આવેલ આ રોબોટ સવારે 9 વાગ્યાથી સમજણ 6 વાગ્યા સુધી કામ કરતો હતો અને તેનું પોતાનું સર્વિસ કાર્ડ પણ હતું. રોબોટ એક માળ સુધી અન્ય રોબોટ્સથી અલગ લિફ્ટ બોલાવી શકતો હતો અને ફ્લોર્સમાં ઉપર નીચે પણ જઈ શકતો હતો.

સ્થાનિક અખબારોએ આ કેસની સ્ટોરી કવર કરી છે. એક અખબારે તો હેડલાઇન કરતાં સવાલ કર્યો છે કે “આ પ્રકારના મહેનતુ સરકારી કર્મચારી સાથે આ પ્રકારનો વ્યવહાર કેમ કરવામાં આવ્યો?” અન્ય એક અખબારે હેડલાઇન આપી હતી કે “શું એક રોબોટ માટે કામ કરવું આટલું અઘરું થઈ ગયું હતું?” ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રોબોટિક્સના જણાવ્યા અનુસાર દક્ષિણ કોરિયા રોબોટ્સ માટે પોતાના આકર્ષણને લઈને જાણીતું છે, અહી દરેક 10 કર્મચારીઓ વચ્ચે એક રોબોટ છે. દક્ષિણ કોરિયામાં સૌથી વધુ રોબોટ્સ જોવા મળે છે.