July 4, 2024

દેશમાં આજથી આ 5 મોટા નિયમોમાં ફેરફાર થશે

અમદાવાદ: દેશમાં દર મહિનાની પહેલી તારીખે મોટા ફેરફાર થતા હોય છે. આજે માર્ચ મહિનાની શરૂઆત થઈ છે. ત્યારે શું તમને ખબર છે કે ઘણા નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેની અસર રસોડાથી લઈને ડ્રાઇવિંગ સુધી પડશે. જાણો શું કરવામાં આવ્યા છે ફેરફારો.

સિલિન્ડરની કિંમતોમાં વધારો
1 માર્ચ 2024થી કેટલાક નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે LPG સિલિન્ડરની કિંમતોમાં વધારો થયો છે અને FASTag KYCની છેલ્લી તારીખ પણ સમાપ્ત થઈ ગઈ છે. સતત આ બીજો મહિનો છે કે સતત સિલિન્ડરના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ શુક્રવારે એટલે કે 1 માર્ચના રોજ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. જેના કારણે ભોળી અને નિર્દોષ જનતાને મોટો ઝટકો લાગ્યો છે. નવી કિંમત આજથી જ લાગુ કરી દેવામાં આવી છે. જોકે સ્થાનિક એલપીજીના ભાવમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. જો આવી જ રીતે ભાવમાં વધારો થતો રહેશે તો સામાન્ય લોકો દિવસે દિવસે વધારે ગરીબ થતા જશે.

સમયમર્યાદા પૂરી
બીજો ફેરફાર વાહનચાલકો માટે છે. જેમાં દેશમાં 1 માર્ચથી FASTag KYCની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. હજુ સુધી કોઈ તારીખ લંબાવાની જાહેરાત કરવામાં આવી નથી. NHAI ફાસ્ટેગ કેવાયસી અપડેટ માટે સમયમર્યાદા લંબાવશે કે કેમ તે અંગે હજુ પણ સસ્પેન્સ હજુ જોવા મળી રહ્યું છે. જોકે મહત્વની વાત તો એ છે કે જે તારીખની સમયમર્યાદા આપવામાં આવી હતી તે સમાપ્ત થઈ ગઈ છે.

આ નિયમોમાં ફેરફાર
1 માર્ચ 2024થી GSTના નિયમોમાં ફેરફાર થઈ જશે. જેમાં 5 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા વેપારીઓ ઈ-ઈનવોઈસ વગર ઈ-વે બિલ ઈશ્યુ કરી શકશે નહીં. સાદી ભાષામાં વાત કરીએ તો B2Bના ધંધા માટે ઈ-ઈનવોઈસ વિગતોનો સમાવેશ કર્યા વિના ઈ-વે બિલ જારી કરી શકાશે નહીં. તમને જણાવી દઈએ કે હવેથી GST સિસ્ટમ હેઠળ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં 50,000 રૂપિયાથી વધુની કિંમતનો માલ મોકલવા માટે ઈ-વે બિલની જરૂરી રહેશે.

ક્રેડિટ કાર્ડ નિયમોમાં ફેરફાર
માર્ચ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે વધુ એક મોટો ફેરફાર કર્યો હોવાની માહિતી મળી રહી છે. આ નવા નિયમો 15 માર્ચથી લાગૂ પડી જશે. SBI તેના ન્યૂનતમ દિવસના બિલની ગણતરીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. જો કે, તેની કોઈ માહિતી વિગતવાર માહિતી શેર કરવામાં આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે વપરાશકર્તાઓને મેઇલ દ્વારા આપવામાં આવશે.