December 30, 2024

રશિયા ફરવું ભારતીયો માટે થશે સહેલું, પુતિન સરકાર સાથે મળી બન્યો આ પ્લાન

નવી દિલ્હી: રશિયા અને ભારત વચ્ચેના સંબંધો વધુ ગાઢ થવા જઈ રહ્યા છે. છેલ્લા 3 વર્ષમાં ભારતે રશિયા પાસેથી ઓછી કિંમતે તેલ ખરીદ્યું છે. જ્યારે હવે વેપાર સિવાય બંને દેશો પર્યટનમાં પણ નજીક આવવા તૈયાર છે. અહેવાલો અનુસાર પર્યટનને સરળ બનાવવા માટે ભારત અને રશિયા વચ્ચે જૂન મહિનામાં વાતચીત શરૂ થશે. પીટીઆઈના સમાચાર મુજબ એક રશિયન મંત્રીએ કહ્યું છે કે મોસ્કો અને નવી દિલ્હી મફત પ્રવાસન વિઝાની આપલે શરૂ કરીને તેમના પ્રવાસન સંબંધોને મજબૂત કરવા માટે તૈયાર છે.

રશિયાના આર્થિક વિકાસ મંત્રાલયના નિદેશક નિકિતા કોન્દ્રાત્યેવે જણાવ્યું હતું કે ભારત અને રશિયા વિઝા મુક્ત પ્રવાસન શરૂ કરવાના અંતિમ તબક્કામાં છે. મંત્રીએ આ નિવેદન કઝાનમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય આર્થિક મંચ (રશિયા – ઇસ્લામિક વર્લ્ડ) કઝાન ફોરમ 2024માં આપ્યું હતું.

વર્ષના અંત સુધીમાં કરાર થઈ જશે
નિકિતા કોન્દ્રાતયેવે કહ્યું કે રશિયા અને ભારત તેમના પ્રવાસન સંબંધોને મજબૂત કરવા જૂનથી વાતચીત શરૂ કરશે અને વર્ષના અંત સુધીમાં ફ્રી ટૂરિસ્ટ વિઝાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. કોન્દ્રાત્યેવે એમ પણ કહ્યું કે રશિયાએ ચીન અને ઈરાન સાથે પહેલાથી જ સ્થાપિત મફત પ્રવાસી વિઝાના વિનિમયની સફળતાને વિસ્તૃત કરવાની યોજના બનાવી છે. રશિયા અને ચીન વચ્ચે ફ્રી વિઝાની આપલે ગયા વર્ષે 1 ઓગસ્ટથી શરૂ થઈ હતી. આ વર્ષે જ રશિયા અને ઈરાન વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મંત્રીએ કહ્યું, આનાથી પ્રવાસન સહયોગના નવા યુગની શરૂઆત થઈ છે.

જેમ જેમ વિશ્વ રોગચાળાના પડછાયામાંથી બહાર આવી રહ્યું છે. ત્યારે ફ્રી વિઝા જેવી પહેલો પ્રવાસન ઉદ્યોગ માટે આશાનું કિરણ આપી રહી છે. જે કોરોનાના ફટકામાંથી બહાર આવી શક્યું નથી. નિષ્ણાતોના મતે દેશો વચ્ચેના આવા કરાર આંતર-સાંસ્કૃતિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે.