‘પહલગામના ગુનેગારોને સજા મળવી જોઈએ’, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને PM મોદી સાથે વાત કરી

Pahalgam Attack: રશિયાએ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સમર્થન આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે PM નરેન્દ્ર મોદીને ફોન કરીને પહલગામ આતંકી હુમલાની નિંદા કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને PM નરેન્દ્ર મોદીને ફોન કરીને ભારતના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી. તેમણે નિર્દોષ લોકોના મોત પર ઊંડી સંવેદના વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તેઓ આતંકવાદ સામેની લડાઈમાં ભારતને સંપૂર્ણ સમર્થન આપશે.

જયસ્વાલે કહ્યું, ‘પુતિને ભારપૂર્વક કહ્યું કે આ ઘૃણાસ્પદ હુમલાના ગુનેગારો અને તેમના સહાયકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે. બંને નેતાઓએ ભારત-રશિયા વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. વડાપ્રધાને વિજય દિવસની 80મી વર્ષગાંઠના અવસરે રાષ્ટ્રપતિ પુતિનને શુભેચ્છા પાઠવી હતી અને તેમને આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનારી વાર્ષિક સમિટમાં આમંત્રણ આપ્યું હતું.