સાબરકાંઠામાં સગા બાપે દીકરીનો 4 લાખમાં સોદો કરી વેચી નાંખી; 4ની અટકાયત, બે ફરાર
સાબરકાંઠાઃ એક તરફ માનવીય સંબંધો દિન-પ્રતિદિન પ્રગાઢ બનાવવાની વાતો થઈ રહી છે. તો બીજી તરફ હરહર કલયુગ વ્યાપ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં સગા બાપે જ સગીર વયની દીકરી વેચી નાંખી હોવાનું સામે આવતા હડકંપ મચ્યો છે. જો કે, કોર્ટના આદેશ બાદ પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તજવીજ હાથ ધરતા છ આરોપીઓમાંથી ચાર આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી સગીર વયની દીકરીને રાજસ્થાનથી બચાવી લેવામાં આવી છે.
સાબરકાંઠાના હિંમતનગરમાં છ માસ અગાઉ સતત ચાર મહિના સુધી સગીરવયની દીકરી સ્કૂલમાં ન જતા સ્કૂલના શિક્ષક દ્વારા આ મામલે પરિવાર સહિત શિક્ષણ કચેરીએ જાણ કરી હતી. જો કે, ત્યારબાદ સગીર વયની દીકરીના માતાએ સ્થાનિક કોર્ટમાં દીકરી મામલે રજૂઆત કરતા કોર્ટે પોલીસને ફરિયાદ લેવાનો હુકમ કર્યો હતો. જો કે, છ મહિના બાદ હિંમતનગરના એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયાના પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે હડકંપ સર્જાયો હતો. તેમજ રૂપિયા 60 હજાર ઉછીના લેવા મામલે ત્રણ લાખમાં દીકરીને રાજસ્થાનમાં વેચી નાંખી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી.
આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ વિગતો રજૂ કરતા સ્થાનિક વિસ્તારમાં ભારે હડકંપ સર્જાયો છે. જેમાં દીકરીના પિતા તેમજ તેના કાકાએ પૈસા મેળવવા માટે રાજસ્થાનમાં દીકરી વેચી હોવાનું ખુલ્યું હતું. તેમજ આ મામલે રૂપિયા ચાર લાખમાં દીકરીનો સોદો કરાયો હતો. જેમાં દીકરીના પિતા સહિત તેના નજીકના સંબંધીઓ જ આરોપી હોવાનું ખુલ્યું છે. આ મામલે પોલીસે 6માંથી ચાર આરોપીઓની અટકાયત કરી છે. તેમજ બે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ મામલે દીકરીનો બાપ સહિત તેના કાકા મુખ્ય આરોપી તરીકે હોવાનું ખુલ્યું છે. જેના પગલે પોલીસે ચાર આરોપીઓની અટકાયત કરી છે. તેમજ સગીરવયની દીકરીને રાજસ્થાનથી બચાવી લેવામાં આવી છે. દીકરીની હાલત હાલમાં સંપૂર્ણપણે સ્થિર હોવાનું ખુલ્યું છે. આ સાથે હજુ બે આરોપી ફરાર છે, ત્યારે તેમને ઝડપી લેવા પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા આરોપીઓ તેમજ ફરાર આરોપીઓ સામે બાળ તસ્કરીનો ગુનો નોંધાશે તે નક્કી છે.