ઇડરમાં ધોળા દિવસે 15 લાખના થેલાની ચીલઝડપ કરનારા બે આરોપી ઝડપાયા, એક ફરાર

ચિરાગ મેઘા, સાબરકાંઠાઃ જિલ્લાના ઇડરમાં ત્રણ દિવસ અગાઉ 15 લાખ રકમની ચીલ ઝડપ થતા સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી વ્યાપી હતી. જિલ્લા એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે હિંમતનગરના ઇલોલ પાસેથી બાર લાખથી વધુના મુદ્દામાલ સાથે બંને આરોપીઓને ઝડપી લીધા છે. આ સાથે ખાનગી બેન્કમાં હંગામી ધોરણે ફરજ બજાવતા અન્ય ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે.
સાબરકાંઠાના ઈડરમાં ત્રણ દિવસ અગાઉ વિક્રમ ઝાલા નામનો યુવક બેંકમાંથી પૈસા ઉપાડી પોલીસ મથકથી 200 મીટરની અંતરે ઓટો રિક્ષામાં જતી વખતે બે અજાણ્યા બાઈકચાલક ઈસમોએ ચીલ ઝડપ કરી હતી. એક બેંકમાંથી પૈસા જમા કરાવી અન્ય બેંકમાં જતી વખતે ઓટોરિક્ષામાં બેઠેલા વિક્રમ ઝાલા પાસેથી રૂપિયા 15 લાખ ભરેલા રૂપિયાના થેલાને સેકન્ડોમાંથી છીનવી લઈ ફરાર થઈ ગયા હતા. જેના પગલે સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ સર્જાયો હતો.
ભરબપોરે થયેલી આ ચીલ ઝડપના પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસે ઇડરમાં ધામા નાંખ્યા હતા. તેમજ અલગ અલગ ચાર ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ સહિત ટેકનિકલ સર્વિલન્સ અને બાતમીદારો કામે લાગ્યા હતા. ગતરોજ એલસીબી પોલીસે બાતમીના આધારે હિંમતનગરના ઇલોલ નજીકથી નંબર પ્લેટ વગરની બાઈક લઇને પસાર થતાં બે યુવકોને ઝડપી લીધા હતા. તેમજ તેમની પાસેથી રૂપિયા 12 લાખથી વધારેનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ સાથે આટલા બધા પૈસા મામલે પૂછતાછ કરતા સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. એલસીબી પોલીસ મથકે લાવી વિવિધ ટેક્નિકથી પૂછપરછ કરતા ચીલ ઝડપ કરનારા બંને આરોપીઓએ સમગ્ર ગુનાનો સ્વીકાર કર્યો હતો. આ બંને આરોપીઓ ઈડરના ચિત્રોડી ગામના હોવાનું ખુલ્યું છે તેમજ પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.
સાબરકાંઠાના ઇડરના ચિત્રોડી ગામના રાહુલ વણઝારા તેમજ કિરણ ચેનવા નામના બે આરોપીઓએ 25મી માર્ચે ઈડરમાંથી ભરબપોરે વિક્રમ ઝાલા પાસેથી 15 લાખ રૂપિયા ભરેલા થેલાની ચીલઝડપ કરી હતી. તેમજ ચીલઝડપ કર્યા બાદ વિવેક નામના યુવકને મળ્યા હતા. આ સમગ્ર ચીલઝડપ માટે સહાયક ભૂમિકા ભજવી હતી. જેના પગલે હાલમાં પોલીસ ત્રીજા આરોપીની શોધખોળમાં લાગી છે. ઈડર જેવા શહેરમાંથી 15 લાખની સીલ ઝડપથી સાબરકાંઠા સહિત ગુજરાતનું ધ્યાન આ મામલે મહત્વનું બની રહ્યું હતું તેવા સમય સંજોગે બંને આરોપીની અટકાયત થયા બાદ પોલીસે પણ હાલ પૂરતી રાહત મેળવી છે.
ઈડર જેવા શહેરમાંથી રૂપિયા 15 લાખની ચીલઝડપ કરનારા બંને આરોપીઓ ઈડરના ચિત્રોડીના હોવાનું ખૂલ્યું છે. ત્યારે આગામી સમયમાં પોલીસ તંત્રએ પણ હવે આરોપીઓ સહિત સુરક્ષાની દ્રષ્ટિએ પાયારુપ પગલાં ભરવા પડે તો નવાઈ નહીં. આ સાથે ખાનગી બેન્કમાં હંગામી ધોરણે ફરજ બજાવતા ફરાર આરોપી બાબતે આગામી સમયમાં કેવા અને કયા પ્રકારના ખુલાસા થાય છે તે મહત્વનું બની રહે છે.