વેડા ગામે ઓનલાઇન મંગાવેલા પાર્સલમાં બ્લાસ્ટ; એકનું મોત, ત્રણ ઘાયલ
સાબરકાંઠાઃ જિલ્લાના વડાલી તાલુકાના વેડા ગામે પાર્સલમાં બ્લાસ્ટ થતા દોડધામ મચી ગઈ છે. બ્લાસ્ટની આ દુર્ઘટનામાં બે લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે જેટલા વ્યક્તિ ઘાયલ થયા છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
વેડા છાવણી ગામે ઓનલાઇન પાર્સલ આવ્યું હતું. આ પાર્સલ ખોલતાંની સાથે જ મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા. હાલ તમામ ઘાયલોને સારવાર માટે વડાલીમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ હિંમતનગર સિવિલિ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી પ્રમાણે, આ દુર્ઘટનામાં 9 વર્ષ અને 10 વર્ષની બે દીકરીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. ત્યારે ચૂંટણી પૂર્વે બ્લાસ્ટના પગલે પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે.
એક કિલોમીટર સુધીનો વિસ્તાર ધણધણી ઉઠ્યોઃ ગ્રામજન
ગામવાસીઓએ જણાવ્યુ હતુ કે, ‘પાર્સલમાં બ્લાસ્ટ થતા ઘરનો સરસામાન વેરવિખેર થઈ ગયો હતો અને એક કિલોમીટર સુધીનો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો.’ પરિવારજનોએ અજાણ્યા વ્યક્તિ દ્વારા પાર્સલ મોકલવામાં આવ્યું હોવાનું સતત રટણ કરી રહ્યા છે. ત્યારે ડીવાયએસપી, જિલ્લા એલસીબી સહિત વડાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.