લુપ્ત પ્રજાતિ ગણાતા ચોશિંગાનો શિકાર કરનારા 6 આરોપીની ધરપકડ
સાબરકાંઠાઃ ગુજરાતમાં ઘણી પ્રજાતિના પશુ-પક્ષીઓ લુપ્ત થવાને આરે છે. ત્યારે તેના શિકાર પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. તે છતાં ઘણાં લોકો મોજશોખ ખાતર લુપ્ત થતી પ્રજાતિના વન્ય જીવને નુકસાન પહોંચાડે છે.
મળતી માહિતી પ્રમાણે, વિજયનગરના જંગલમાં ચોશિંગનો ગેરકાયદેસર શિકાર થતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે લોકોમાં પણ આ ઘટનાને પગલે રોષ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ખેરવાડા પાસે ચોશિંગાને બંદૂકની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારે વનવિભાગે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હાલ વનવિભાગે આ મામલે કુલ 6 ગુનેગારોની ધરપકડ કરી છે.
વિજયનગરની ધોલવાણી રેન્જના ફોરેસ્ટ વિભાગે શિકારીઓને ઝડપી પાડ્યા છે. આ ઉપરાંત તેમની પાસેથી શિકાર માટે ઉપયોગમાં લીધેલી દેશી બનાવટની બે બંદૂકો પણ જપ્ત કરી છે. ફોરેસ્ટ વિભાગે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડની માગણી કરી હતી. જેમાં કોર્ટે તેમના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.