November 5, 2024

સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ગુલાબ-ગલગોટાના ફૂલનો શણગાર

સાળંગપુરઃ સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.03-11-2024ને રવિવારના રોજ સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી નૂતન વર્ષની શરૂઆત કરી રહ્યા છે. આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબ-ગલગોટાના ફૂલનો શણગાર કર્યો છે.

આજે સવારે મંગળા આરતી કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી શણગાર આરતી શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું.

આજે દાદાને કરાયેલા શણગાર વિશે વાત કરતાં પૂજારી સ્વામીએ જણાવ્યું કે, ‘આજે નૂતન વર્ષના બીજા દિવસે એટલે કે, ભાઈબીજે કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડના જરદોશી વર્કના વાઘા પહેરાવાયા છે. આ સાથે દાદાના સિંહાસને 200 કિલોથી વધુ ગલગોટાના અને ગુલાબના ફુલનો શણગાર કરાયો છે.’