September 19, 2024

‘પપ્પુ નહિ, એજ્યુકેટેડ રણનીતિકાર છે’ રાહુલ ગાંધીને લઈને સામ પિત્રોડાનું નિવેદન

Rahul Gandhi in USA: કોંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ રાહુલ ગાંધીને લઈને ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ નિવેદન આપતા કહ્યું છે કે રાહુલ ગાંધી પપ્પુ નથી, તેઓ ઊંચા વિચારશીલ રણનીતિકાર છે. સામ પિત્રોડાએ રાહુલ ગાંધી સાથે ટેક્સાસમાં ભારતીય ઈમિગ્રન્ટ્સને સંબોધિત કરતાં આ નિવેદન આપ્યું હતું. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખે વધુમાં જણાવ્યું કે રાહુલ ગાંધી સમાવેશિતાના હિમાયતી છે.

અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે રાહુલ ગાંધી: સામ પિત્રોડા
સામ પિત્રોડાએ પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી પાસે એક એવો દ્રષ્ટિકોણ છે જે ભાજપ તરફથી કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પ્રચારિત કરવામાં આવતા દ્રષ્ટિ કોણથી બિલકુલ અલગ છે. હું તમને જણાવી દઉં કે તેઓ પપ્પુ નથી. તેઓ એક ઉચ્ચ શિક્ષિત, ભણેલા-ગણેલા, કોઈપણ વિષય પર ઊંચા વિચારો ધરાવતા રણનીતિકાર છે અને ક્યારેક ક્યારેક તેમને સમજવા સરળ નથી હોતા.

વિવિધતાના હિમાયતી છે રાહુલ ગાંધી
ટેક્સાસમાં એક કાર્યક્રમને સંબોધતા સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે પચાસના દાયકાની શરૂઆતમાં શાળાએ જતી વખતે ગાંધીવિચાર આપણા શિક્ષણનો મુખ્ય ભાગ હતો. સમાવેશ અને વિવિધતા એ માત્ર શબ્દો જ નહોતા – તે એવું હતું જેને આપણે જીવતા હતા અને જ્યારે હું આપણા સમાજમાં પરિવર્તન જોઉં છું જે મૂળભૂત માળખા પર હુમલો છે, ત્યારે મને તેની ચિંતા થાય છે. તો ચાલો આપણે સુનિશ્ચિત કરીએ કે આપણે જાતિ, ધર્મ, ભાષા કે રાજ્યને ધ્યાનમાં લીધા વિના આપણા લોકોનું સન્માન કરીએ. અમે બધા માટે સમાન તકો બનાવીએ છીએ, આપણે કાર્યકરોને સન્માન આપીએ છીએ અને આ એવા મુદ્દા છે જેની તરફેણ રાહુલ ગાંધી કરી રહ્યા છે અને તેનાથી મને ખૂબ આનંદ થાય છે.