September 4, 2024

‘સંગમ ઢાબા’ બન્યું ‘સલીમ ભોજનાલય’: કાવડ રૂટની દુકાનોના નામ બદલાયા

Kawad Yatra: ઉત્તર પ્રદેશમાં કાવડ યાત્રા પહેલા મુઝફ્ફરનગરમાં ખાણીપીણી અને ફળોની દુકાનો ચલાવનાર દુકાનદારોને તેમના નામ લખીને દર્શાવવાનો આદેશ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેમની દુકાનો કે હોટલમાં કામ કરનારાઓના નામ લખવા માટે પણ આદેશ કરાયો છે. આ આદેશ અંગે સ્થાનિક વહીવટી તંત્રનું કહેવું છે કે સામાન ખરીદનાર વ્યક્તિને ખબર હોવી જોઈએ કે ટે કોની દુકાનમાંથી ખરીદી કરી રહ્યો છે. કોઈને કોઈ મૂંઝવણ ન હોવી જોઈએ. જો કે આ મામલાએ જોર પકડ્યું છે. આ દરમિયાન સીએમ યોગીનો આદેશ પણ આવી ગયો છે, જેમાં તેમણે સમગ્ર રાજ્યમાં આ સિસ્ટમ લાગુ કરવાની સૂચના આપી છે. સરકારના આદેશની અસર પણ દેખાવા લાગી. મુઝફ્ફરનગરમાં દુકાનદારો અને માલિકો પોતપોતાનાં નામ લખીને દુકાનો આગળ લટકાવી રહ્યા છે.

મુઝફ્ફરનગર પોલીસના આદેશના બીજા જ દિવસે ત્યાંથી પસાર થતા દિલ્હી-દેહરાદૂન નેશનલ હાઈવે-58 પર અનેક પરિવર્તન જોવા મળ્યા છે. થોડા દિવસો પહેલા હાઈવે પર ચાની સ્ટોલ લગાવનાર મુસ્લિમ શખ્સની દુકાનનું નામ ‘ટી લવર પોઈન્ટ’ હતું, પરંતુ પોલીસના આદેશ બાદ આ દુકાનના માલિક ફહીમે હવે તેની દુકાનનું નામ ‘વકીલ અહેમદ ટી સ્ટોલ’ રાખી દીધું છે. ફહીમે જણાવ્યું કે પોલીસના આ આદેશનો કાવડ યાત્રા દરમિયાન તેમના કામ પર મોટી અસર થશે.

ફહીમનું માનીએ તો થોડા દિવસ પહેલા પોલીસે આવીને કહ્યું હતું કે કાવડ યાત્રા શરૂ થવાની છે અને દુકાન પર પોતાનું નામ લખી દો. જેને લીધે તેમની દુકાનનું નામ ‘ચાય લવર પોઈન્ટ’થી બદલીને હવે ‘ફહીમ ટી સ્ટોલ’ કે ‘ વકીલ અહેમદ ટી સ્ટોલ’ કરી દીધું છે.

તો, છેલ્લા 25 વર્ષથી ‘સંગમ શુદ્ધ ભોજનાલય’ના નામે જાણીતા ઢાબાનું નામ હવે પોલીસના આદેશ બાદ બદલીને ‘સલીમ શુદ્ધ શાકાહારી ભોજનાલય’ કરી દેવામાં આવ્યું છે. ઢાબાના માલિક સલીમનું કહેવું છે કે 25 વર્ષથી તેના ઢાબાનું નામ સંગમ શુદ્ધ ભોજનાલય હતું પરંતુ હવે વહીવટી તંત્ર દ્વારા તેનું નામ બદલી દેવામાં આવ્યું છે.

બીજી તરફ, દિલ્હી-દહેરાદૂન હાઈવે પર આવેલી સાક્ષી હોટલના માલિક લોકેશ ભારતીએ કહ્યું, ‘ગઈકાલે બે પોલીસકર્મીઓ અમારી પાસે આવ્યા અને કહ્યું કે દુકાનની આગળ નામ લખવાનું છે. આ ઉપરાંત હોટલમાં કામ કરતા કર્મચારીઓના નામ પણ ડિસ્પ્લે કરવા. પોલીસના આ આદેશ બાદ દુકાન પર કામ કરતા ચાર મુસ્લિમ કામદારોને હાલ પૂરતા હટાવી દેવામાં આવ્યા છે.

વાસ્તવમાં, પોલીસ વિભાગ દ્વારા કાવડ યાત્રા રોડ પર આવતા તમામ દુકાનદારોને તેમની દુકાનોના માલિકો અથવા કર્મચારીઓના નામ લખવા સૂચના આપવામાં આવી હતી, જેથી કાવડિયાઓમાં કોઈ મૂંઝવણ ન થાય. પોલીસે આ નિર્ણયનો બચાવ કરતાં કહ્યું છે કે, કાવડિયાઓમાં કોઈ મૂંઝવણ ન થાય અને ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થાને અસર થાય તેવા કોઈ આક્ષેપો ન થાય તે માટે આવું કરવામાં આવી રહ્યું છે.