October 3, 2024

અહો આશ્ચર્યમ: આ ગામમાં રૂ.2 કરોડમાં સરપંચ પદની હરાજી થઈ

Auction for Sarpanch: પંજાબમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ દરમિયાન ગુરદાસપુર જિલ્લાના હરદોવાલ કલાન ગામમાં સરપંચ પદ માટે ખુલ્લી બોલી યોજાઈ હતી. આ સરપંચ પદ માટે યોજાયેલી હરાજીમાં એક વ્યક્તિએ 2 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. લોકતાંત્રિક ધારાધોરણો સાથે ખેલ કરતી આ હરાજીની અનેક રાજકીય આગેવાનોએ નિંદા કરી છે. આ મામલાની માહિતી મળતા જ રાજ્ય ચૂંટણી પંચે તેને ગંભીરતાથી નોંધ લીધી હતી.

નોંધનીય છે કે, પંજાબમાં ગ્રામ પંચાયતની ચૂંટણી 15 ઓક્ટોબરે યોજાવાની છે. હરદોવાલ કલાન ગામમાં યોજાયેલી હરાજીની બોલી 50 લાખ રૂપિયાથી શરૂ થઈ હતી અને સ્થાનિક ભાજપ નેતા આત્મા સિંહે 2 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. બિડિંગ પ્રક્રિયા બાદ ચેક દ્વારા પેમેન્ટ કરનાર આગેવાને જણાવ્યું હતું કે ગ્રામજનોએ સરપંચને ચૂંટવાનું નક્કી કર્યું છે જે, જે ગામને મહત્તમ રકમ આપશે. તેમણે કહ્યું કે હરાજીની રકમ ગામના વિકાસ પાછળ ખર્ચવામાં આવશે.

ભટિંડા ગામમાં પણ બોલી લાગી
આત્મા સિંહે કહ્યું કે ગ્રામજનોની એક સમિતિ ફંડ ફાળવણી અંગે નિર્ણય કરશે. આત્મા સિંહના પિતા પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે. હરદોવાલ કલાન ગુરદાસપુર જિલ્લાના સૌથી મોટા ગામોમાંનું એક છે અને તેમાં લગભગ 350 એકર પંચાયત જમીન છે. આ એકમાત્ર જિલ્લો નથી જ્યાં આવી ઘટના બની હોય. ભટિંડાના ઉરી બટ્ટર ગામમાં સરપંચ પદ માટે આવી જ હરાજી યોજાઈ હતી. આ પદ માટે ઈચ્છુક વ્યક્તિએ રૂ. 60 લાખની બોલી લગાવી હતી, પરંતુ અંતિમ નાણાકીય નિર્ણય લઈ શકાયો ન હતો.

આ પણ વાંચો: ચુરમાના સ્વાદથી ભાવુક થયાં PM મોદી: જાણો, નીરજ ચોપરાની માતાને પત્ર લખી શું કહ્યું….?

જેલની સજાની માંગ
કોંગ્રેસના નેતા પ્રતાપ સિંહ બાજવાએ હરાજીની નિંદા કરી છે અને તેનું આયોજન કરનારાઓને જેલની સજાની માંગ કરી છે. પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતાએ કહ્યું, “આ ખુલ્લો ભ્રષ્ટાચાર છે. હું ઇચ્છું છું કે વિજિલન્સ બ્યુરો રૂ. 2 કરોડની ઓફર કરનાર સામે પગલાં લે.” પંજાબમાં 13,237 સરપંચ અને 83,437 પંચના પદ માટે 15 ઓક્ટોબરે બેલેટ પેપર દ્વારા ચૂંટણી યોજાશે. ચૂંટણી કાર્યક્રમ અનુસાર, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 4 ઓક્ટોબર છે. ઉમેદવારી પત્રોની ચકાસણી 5 ઓક્ટોબરે થશે અને નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર છે. મતદાનના દિવસે જ મતગણતરી થશે.