September 20, 2024

જુનાગઢમાં નવતર અભિગમ, વિકાસ કાર્યો જોવા હોય તો QR કોડ સ્કેન કરો

સાગર ઠાકર, જુનાગઢ: જૂનાગઢ જીલ્લામાં ગ્રામ પંચાયતોમાં વિકાસલક્ષી કામોની તમામ વિગતો બોર્ડમાં દર્શાવવામાં આવી છે, વહીવટી સ્તરે પારદર્શકતા જળવાઈ રહે તે હેતુથી ગામડામાં માહિતી દર્શાવતું બોર્ડ મુકવામાં આવ્યું છે, જૂનાગઢ જીલ્લો રાજ્યમાં પ્રથમ જીલ્લો છે કે જ્યાં આ પદ્ધતિ અપનાવી હોય. બોર્ડમાં QR code મુકવામાં આવ્યા છે જેની મદદથી કામ મંજૂર થયાનું વર્ષ, પૂર્ણ થયાની વિગત, ગ્રાન્ટની રકમ વગેરે તમામ વિગતો આંગળીના ટેરવે જાણી શકાય છે.

સરકાર દ્વારા જીલ્લામાં વિકાસ કાર્યો માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે, વિવિધ યોજનાઓ અંતર્ગત વિકાસ કામો કરવામાં આવે છે. અત્યાર સુધી એવું થતું હતું કે વિકાસ કામોને લઈને ક્યાંક ભ્રષ્ટાચારના આક્ષેપો થતાં હતા ત્યારે સરકારના વિકાસ કામોમાં પારદર્શિતા આવે તે હેતુ હવે વિકાસ પટલ દ્વારા દરેક ગ્રામ પંચાયતોમાં છેલ્લા ત્રણ વર્ષમાં થયેલ વિકાસ કાર્યોની વિગત દર્શાવતા બોર્ડ મુકવામાં આવ્યા છે જેમાં કામની વિગત, યોજનાનું નામ, ગ્રાન્ટની રકમ, વહીવટી મંજૂરીનું વર્ષ, કામ પૂર્ણ થયાનું વર્ષ, કામ માટે થયેલ ખર્ચની વિગત વગેરે તમામ વિગતો દર્શાવાય છે.

આ ઉપરાંત બોર્ડમાં એક QR Code પણ આપેલો છે જે સ્કેન કરવાથી વિકાસ કામો માટે થયેલી સમગ્ર વહીવટી પ્રક્રિયાના દસ્તાવેજો જોઈ શકાય છે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી જે કોઈ લોકો પોતાના ગામમાં થયેલા વિકાસ કાર્યો અંગે જાણકારી મેળવવા ઈચ્છતા હોય તે માત્ર QR Code સ્કેન કરીને તમામ વિગતો જાણી શકશે. અત્યાર સુધી આવી જાણકારી મેળવવા માહિતી અધિકાર હેઠળ વિગતો મેળવવી પડતી હતી પરંતુ હવે માત્ર QR Code પરથી જ આ માહિતી ઉપલબ્ધ થઈ શકશે, જૂનાગઢ જીલ્લાની 493 ગ્રામ પંચાયતો પૈકી 280 ગ્રામ પંચાયતોમાં વિકાસ પટલ મુકી દેવામાં આવ્યા છે અને અન્ય ગ્રામ પંચાયતોમાં આ કાર્ય વેગવંતુ કરવામાં આવ્યું છે અને ટુંક સમયમાં જીલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વિકાસકામોની વિગત દર્શાવતા પત્રકો લોકોની સુવિધા માટે ઉપલબ્ધ થઈ જશે.