CAAના અમલ પછી દિલ્હીમાં સુરક્ષામાં વધારો, શાહીન બાગમાં સુરક્ષા દળોની ફ્લેગ માર્ચ

CAA Rules Notification: દેશમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગુ કરવામાં આવ્યો છે. સોમવારે (11 માર્ચે) નોટિફિકેશન જારી કરવામાં આવી છે. બીજી બાજુ CAA લાગુ થયા બાદ દિલ્હીના શાહીન બાગમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. શાહીન બાગમાં સુરક્ષા દળોએ ફ્લેગ માર્ચ કરી હતી અને સાથે સાથે દિલ્હીના કેટલાંક વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ શાહીન બાગ સીએએના વિરોધનું કેન્દ્ર બની ગયું હતું. વિરોધ પ્રદર્શનને કારણે અહીં મહિનાઓ સુધી રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો.

દિલ્હી પોલીસની સાયબર વિંગ એલર્ટ
CAA લાગુ થયાના લગભગ કલાકમાં જ દિલ્હી પોલીસની સાયબર વિંગ એલર્ટ થઇ ગઇ છે. દેશભરની સુરક્ષા એજન્સીઓ અને પોલીસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખી રહી છે. CAAના અમલને ધ્યાનમાં રાખીને, અસામાજિક તત્વોએ સોશિયલ મીડિયા દ્વારા ભારત વિરોધી પ્રચાર ન ફેલાવે, ખોટી અને ભ્રામક પોસ્ટ શેર ન કરે તે માટે દિલ્હી એનસીઆર સહિત સમગ્ર દેશની ઈન્ટેલિજન્સ વિંગ પોલીસ સતર્ક અને તૈયાર થઇ ગઇ છે. કોઈ ખોટી અફવાઓ ફેલાવવા દેવામાં ન આવે અને આવું કરનારાઓ પર કડક નજર રાખવામાં આવે તે માટે એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે.

CM યોગીએ PM મોદી અને અમિત શાહને પાઠવ્યા અભિનંદન
સીએએના અમલ પર યુપીના મુખ્યમંત્રી યોગીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની પ્રતિક્રિયા આપી છે. સીએમ યોગીએ કહ્યું કે પીડિત માનવતાના કલ્યાણ માટે નાગરિક સુધારો કાયદા ઘડવાનો નિર્ણય ઐતિહાસિક છે. વધુમાં સીએમ યોગીએ લખ્યું કે આનાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક નિર્દયતાથી પીડિત લઘુમતી સમુદાયો માટે સન્માનજનક જીવનનો માર્ગ મોકળો થયો છે. વધુમાં યોગીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને અભિનંદન આપ્યા હતા. વધુમાં લખ્યું કે આ કાયદા હેઠળ ભારતીય નાગરિકતા મેળવનાર તમામ ભાઈઓ અને બહેનોને હાર્દિક અભિનંદન!