શેરબજારમાં હાહાકાર; સેન્સેક્સ 1656 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24250 ની નીચે
Sensex Opening Bell: વૈશ્વિક બજારમાં ભારે વેચવાલી વચ્ચે સોમવારે સવારે ભારતીય શેરબજારમાં અરાજકતા જોવા મળી હતી. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 1600 પોઈન્ટ્સથી વધુ લપસી ગયો હતો. બીજી તરફ નિફ્ટી પણ વેચવાલી બાદ નબળો પડ્યો અને 24200ની નીચે પહોંચી ગયો. પ્રારંભિક ટ્રેડિંગ દરમિયાન ટાઇટનના શેરમાં 9% સુધીનો ઘટાડો થયો હતો. સોમવારે રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટી 83.7525 પર પહોંચ્યો હતો.
વૈશ્વિક બજારોમાં ભારે વેચવાલી વચ્ચે સોમવારે (5 ઓગસ્ટ) ભારતીય શેરબજારોની શરૂઆત મોટા ઘટાડા સાથે થઈ હતી. સેન્સેક્સ અગાઉના બંધની સરખામણીમાં લગભગ 2400 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. તો નિફ્ટી પણ 400થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. બેન્ક નિફ્ટી 760 પોઈન્ટ ઘટીને ખુલ્યો હતો. સેન્સેક્સ 2393 પોઈન્ટ ઘટીને 78,588 પર ખુલ્યો હતો. નિફ્ટી 415 પોઈન્ટ ઘટીને 24,302 પર અને બેન્ક નિફ્ટી 764 પોઈન્ટના ઘટાડા સાથે 50,586 પર ખુલ્યો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ લગભગ 480 પોઈન્ટ ડાઉન હતો. રિયલ્ટી સેક્ટરમાં લગભગ 4%નો ઘટાડો જોવા મળ્યો હતો. PSU બેન્ક ઈન્ડેક્સ પણ 3% ઘટ્યો હતો.
આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 142 તાલુકામાં વરસાદ, ખેરગામમાં સૌથી વધું 9 ઈંચ વરસાદ
ગિફ્ટ નિફ્ટી અને અમેરિકન ફ્યુચર્સ માર્કેટ સહિત એશિયન બજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. ગિફ્ટ નિફ્ટીમાં 350થી વધુ પોઈન્ટનો જંગી ઘટાડો નોંધાઈ રહ્યો હતો. નિક્કી 2000 પોઈન્ટ તૂટ્યો હતો. અમેરિકન વાયદા બજારો પણ લાલ નિશાનમાં હતા. બીજી તરફ અમેરિકન બજારમાં શુક્રવારે ડાઉ 610 પોઈન્ટ અને નાસ્ડેક 418 પોઈન્ટ તૂટ્યો હતો. શુક્રવારે સ્થાનિક બજારોમાં FII દ્વારા રૂ. 13,000 કરોડનું વેચાણ થયું હતું.