June 30, 2024

પનોતીમાંથી મુક્ત થવા માટે Porbandarના હાથલા ગામે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા

સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર: પોરબંદરના હાથલા ગામે આવેલા શનિદેવના જન્મસ્થળે શનિ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે હજારોની સંખ્યામાં શનિભકતો શનિદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા. આજે હાથલા ગામે જય શનિદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

શનિ જયંતિના દિવસે હજારો શ્રદ્ધાળુઓએ શનિદેવના કુંડમાં સ્નાન કર્યું અને પોતાના વસ્ત્રો અહિં જ મુકી દીધા હતા. પનોતીમાંથી મુક્ત થવા માટે લોકોએ બુટ અને ચંપલ પણ અહિં છોડી દીધા હતા, જેના કારણે વસ્ત્રો અને બુટ-ચંપલના ઢગલા જોવા મળ્યો હતો.

શનિદેવના દર્શન કરવાથી પનોતીમાંથી રાહત મળતી હોવાની માન્યતાને કારણે હજારો શ્રદ્ધાળુઓ શનિદેવના જન્મસ્થળ ખાતે એકત્રિત થયા હતા. સવારના 5 વાગ્યાથી લઈને રાત્રિના 12 વાગ્યા સુધી શ્રધ્ધાળુઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો હતો.

શનિ જયંતિ નિમિત્તે દેશના વિવિધ શહેરોમાંથી આવેલા શ્રદ્ધાળુઓ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચા-પાણી અને નાસ્તાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.