શેર બજાર પર ‘એક દેશ, એક ચૂંટણી’ની શું અસર થઈ શકે?
યશ ભટ્ટ, અમદાવાદઃ સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે, આપણા દેશમાં પહેલા પણ એક દેશ એક ચૂંટણીની પદ્ધતિ હતી. સમગ્ર દેશમાં એકસાથે જ રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભા માટે મતદાન થતા હતા. પરંતુ અમુક રાજ્યોમાં સ્પષ્ટ પરિણામો ન આવવાને કારણે ત્રિશંકુ સરકાર બની હતી. આ સ્થિતિમાં એ રાજ્યોમાં અલગથી મતદાનની પરંપરા શરૂ થઈ હતી. એક વખત આ પરંપરા તૂટી એટલે તેની ડૉમિનો ઈફેક્ટને કારણે આજ સુધી આપણા દરેક રાજ્યોની ચૂંટણી હવે અલગ જ થાય છે.
શું ભારતમાં એક દેશ એક ચૂંટણી શક્ય છે?
આપણા દેશ માટે એક દેશ એક ચૂંટણી કોઈ નવી વાત નથી. પરંતુ હવે જ્યારે દરેક રાજ્યોની વિધાનસભા માટે અલગ અલગ મતદાન થઈ રહ્યા છે. ત્યારે નાની નાની પાર્ટીઓ જેમનું સ્થાનિક પ્રભુત્વ છે, તેનું મહત્વ વધી ગયું છે. આ સ્થિતિમાં દરેક રાજ્યો, દરેક પાર્ટી, દરેક પ્રકારના વૈચારીક વૈવિધ્ય ધરાવતા લોકોને એક તાંતણે લાવવા એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. આટલું સહેલું નહીં હોય.
મુખ્ય મુદ્દો –
હવે શેર બજાર પર જો આ બીલને મંજૂરી મળી જાય છે તો શું અસર આવી શકે તે સમજીએ. સૌથી પહેલાં તો આપણાં ટેક્સના પૈસા બચશે. ટેક્સના પૈસા બચશે, તો લોકકલ્યાણ પાછળ ઉપયોગી થશે. ટૂંકમાં એ કહી શકાય કે અર્થતંત્ર માટે સારી વાત છે. પરંતુ વાત એટલી સરળ નથી.
હકીકતમાં દર વર્ષે અનેક રાજ્યોમાં ઘણી ચૂંટણીઓ આવતી હોય છે. માણસોની મહેનત, સમય, સરકારી નાણાં, સિસ્ટમ અને તેના સાધનોનો વપરાશ/વેડફાટ થતો આવ્યો છે. સરકારી અધિકારીઓ, કર્મચારીઓને આ પ્રસંગો પર પોતાના સામાન્ય કામ મૂકીને ચૂંટણીલક્ષી કામોમાં વ્યસ્ત કરી દેવાતા હોય છે. આથી લોકકલ્યાણના કામોમાં પણ બાધા આવે છે.
એટલે જો અને અહીં “જો” પર મારા તરફથી ખાસ વજન! જો એક દેશ એક ચૂંટણીને મંજૂરી મળી જાય છે, તો અર્થતંત્ર અને સરકારી ખર્ચ તથા સરકારી કામકાજી સમયને યોગ્ય, વધુ જરૂરી કામો તરફ વાળી શકાય છે. હકીકતે તો આ મુદ્દો આ સ્ટેજ સુધી આવ્યો તે જ મોટી વાત છે. કારણ કે, અહીં રાજકારણ સ્પષ્ટપણે જોડાયેલું છે.
સ્થિર સરકાર, સારો ગ્રોથ –
જો પાંચ વર્ષ સુધી ફરી ચૂંટણી નથી આવતી, સ્થિર સરકાર છે, તો આપણા અર્થતંત્રને આ પણ મોટો ફાયદો છે. કારણ કે, શેરબજારને કોઈ પણ પ્રકારની અનિશ્ચિતતા પસંદ નથી. જો આ રીતે પોલિટિકલ સ્ટેબિલિટી મળી જાય છે, તો આપણો દેશ સરસ રીતે આગળ વધી શકે છે. વચ્ચે વચ્ચે આવતી અનિશ્ચિતતાઓ બજારને પસંદ નથી. એટલે અમુક ફિક્સ સમય માટે આપણા શેરબજારને સ્થિર ગ્રોથ દર્શાવવામાં ફાયદો મળે છે.
હજુ તો એક દેશ એક ચૂંટણી મુદ્દો સંસદમાં જશે. ચર્ચા થશે, કોર્ટ કચેરી સુધી આ મુદ્દો ચર્ચાશે. બંધારણમાં પરિવર્તન કરવું પડશે. મતલબ દિલ્હી દૂર હૈ. એટલું સહેલું નથી. પરંતુ આ સરકારના ઈતિહાસને જોતાં આવનારી 2029ની ચૂંટણી આ પ્રમાણે થાય તો નવાઈ નહીં. આ લેખનું સમાપન હું પોલિટિકલ મુદ્દો બાજુ પર રાખી માત્ર આર્થિક સ્વરૂપે જોઉં, તો એક દેશ એક ચૂંટણી આવવાથી દેશના અર્થતંત્રને તથા દેશના લોકોને આર્થિક સ્વરૂપે જરૂર લાભ આપી શકે તેમ છે.