December 5, 2024

શેખ હસીનાએ બધું બરબાદ કરી નાખ્યું, ભારત પ્રત્યાર્પણ કરે: મોહમ્મદ યુનુસ

Bangladesh Sheikh Hasina Government: બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે પૂર્વ વડાપ્રધાન શેખ હસીના પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે શેખ હસીનાએ બધું બરબાદ કરી દીધું છે. યુનુસે એમ પણ કહ્યું કે બાંગ્લાદેશમાં ચૂંટણી સુધારણા બાદ જ ચૂંટણી યોજાશે. મોહમ્મદ યુનુસે આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે, ચૂંટણીઓ યોજતા પહેલા આપણે અર્થવ્યવસ્થા, ગવર્નન્સ, નોકરશાહી અને ન્યાયતંત્રમાં સુધારા કરવાની જરૂર છે.

યુનુસે ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો હતો કે ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલમાં ટ્રાયલ પૂર્ણ થયા બાદ ભારતે શેખ હસીનાને પ્રત્યાર્પણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે એકવાર ટ્રાયલ પૂર્ણ થઈ જાય અને ચુકાદો જાહેર થઈ જાય, અમે શેખ હસીનાને ભારતમાંથી પ્રત્યાર્પણની વિનંતી કરીશું. તેણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ભારત તેનું પ્રત્યાર્પણ કરવા બંધાયેલું છે.

હિંદુઓ પર હુમલાઓ અંગેનો પ્રોપગેન્ડા
તેમણે બાંગ્લાદેશમાં હિંદુઓ પરના હુમલાઓને પ્રોપગેન્ડા ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, ભારત સરકાર હિંદુઓની સુરક્ષાને લઈને જે ચિંતા વ્યક્ત કરી રહી છે તે હકીકત પર આધારિત નથી. જે કંઈ કહેવાય છે તે માત્ર ‘પ્રોપગેન્ડા’ છે.

હસીનાની સરકારમાં બધું બરબાદ થઈ ગયું છે
યુનુસે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશની વચગાળાની સરકારે ચૂંટણી પ્રણાલી, બંધારણ અને ન્યાયતંત્રમાં સુધારા માટે અનેક પંચોની રચના કરી છે. તેમણે કહ્યું કે આ સુધારાઓને લાગુ થવામાં સમય લાગશે કારણ કે અમે બાંગ્લાદેશનું નવેસરથી નિર્માણ કરી રહ્યા છીએ. યુનુસે ચૂંટણી લડવાની તેમની વાતને નકારી કાઢી હતી.

તેમણે કહ્યું કે, શેખ હસીનાના 15 વર્ષના કાર્યકાળમાં બાંગ્લાદેશમાં બધું બરબાદ થઈ ગયું. તેમની સરકારમાં વહીવટી માળખું સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે. યુનુસે આરોપ લગાવ્યો કે શેખ હસીનાએ કપટી ચૂંટણીઓ કરાવી અને પોતાને અને તેમની પાર્ટીને બિનહરીફ વિજેતા જાહેર કર્યા. તેમણે ફાસીવાદી શાસક તરીકે શાસન કર્યું.