September 20, 2024

શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, હજારો ભક્તો દર્શને પહોંચ્યા

અરવિંદ સોઢા, ગીર-સોમનાથઃ શ્રાવણ માસના ત્રીજા સોમવાર અને રક્ષાબંધનના તહેવાર નિમિત્તે સોમનાથમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. સોમનાથમાં હર હર મહાદેવ અને જય સોમનાથનો નાદ ગુંજી ઉઠ્યો છે.

શિવજીને અતિપ્રિય એવા શ્રાવણ માસનો આજે ત્રીજો સોમવાર છે. જેમાં પણ આજે રક્ષાબંધન હોવાના કારણે શિવભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોમનાથ મહાદેવ મંદિરમાં આ સોમવારે પણ શ્રદ્ધાળુઓ આવી ગયા છે. મોડી રાતથી જ મહાદેવના મંદિરે પહોંચી ગયા હતા. વહેલી સવારે 4 કલાકે જ શ્રદ્ધાળુઓની મોટી કતારો મંદિર પરિસરમાં જોવા મળી હતી. અનેક શિવભક્તો પગપાળા ચાલતા ચાલતા જ કિલોમીટરો દૂરથી સવારે મંદિર પહોંચી ગયા હતા અને મહાદેવના દર્શન કર્યા હતા.

રક્ષાબંધનના પવિત્ર તહેવાર અને રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં બહેનો પણ દર્શને પહોંચી ભાઈના લાંબા આયુષ્યની કામના કરી હતી. વહેલી સવારે 7 કલાકની આરતીમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. રીતસરની આરતીની એક ઝલક માટે શ્રદ્ધાળુઓએ પડાપડી કરી હતી.

રક્ષાબંધનના પવિત્ર પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના ચરણોમાં આવેલી બહેનોએ ભાઈઓ અને પરિવારની સુખાકારીની પ્રાર્થના કરી હતી. આ સાથે જ સરહદ પર દેશની રક્ષા કરનારા સૈનિકોને ભાઈ માનીને તેમના લાંબા આયુષ્ય અને સુખાકારીના આશીર્વાદ પણ માગ્યા હતા.