July 8, 2024

હદ થઈ: સાપે શખ્સને ડંખ માર્યો તો શખ્સે સાપને બે વાર બટકા ભર્યા

બિહાર: ચોમાસું આવતાની સાથે જે સર્પદંશના કિસ્સાઓ વધી જતાં હોય છે. ત્યારે, બિહારમાં એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક સાપને શખ્સને ડંખ મારવું ભારે પડ્યું. વાત જાણે એમ થઈ કે એક શખ્સને સાપે ડંખ મારતા શખ્સે સામે સાપને બે વાર બટકા ભરી લીધા. કેમ કે શખ્સને એમ લાગ્યું કે સાપને બટકું ભરવાથી તેનું ઝેર ખતમ થઈ જશે. જોકે, બાદમાં સાંપણું મોત થઈ ગયું. જ્યારે શખ્સને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં સમયસર સારવાર મળી રહેતા તેનો જીવ બચી ગયો.

શખ્સને ડંખ મારવો સાપ માટે જીવલેણ સાબિત થયું
મીડિયા રિપોર્ટ મુજબ, 35 વર્ષીય સંતોષ લોહાર રેલવે કર્મચારી છે. તે બિહારના રાજૌલીના ગાઢ જંગલમાં રેલવે ટ્રેક બનાવતી ટીમનો હિસ્સો હતો. 3 જુલાઇની રાત્રિએ આખો દિવસ કામ કરીને રેલવે કર્મચારીઓ આરામ કરી રહ્યા હતા. તે જ સમયે એક સાપે સંતોષને ડંખ મારી લીધો. સંતોષે તુરંત સાપને પકડી લીધો. જોકે તેણે ન માત્ર સાપને પકડી લીધો પરંતુ તેને બે-બે વાર બટકા પણ ભરી લીધા. વાસ્તવમાં, યુવક લોકલ દંતકથાઓમાં ખૂબ જ વિશ્વાસ ધરાવે છે અને તે માનતો હતો કે સાપને બટકું ભરવાથી સર્પદંશથી બચી શકાય છે.

સારવાર મળતા યુવક સુરક્ષિત
જણાવી દઈએ કે, દેશના અનેક વિસ્તારોમાં એવી માન્યતા છે કે જ્યારે સાપ ડંખ માટે તો પીડિત વ્યક્તિ જો સાપને કરડે છે તો ઝેર સાપમાં પાછું જતું રહે છે. જોકે, ઘટના બાદ, સંતોષના સહકર્મચારીઓ તેને રાજૌલી સબ હોસ્પિટલ લઈ ગયા અને તેને સમયસર સારવાર આપવામાં આવી. આખી રાત તેની સારવાર કરવામાં આવી અને બીજા દિવસે સંતોષને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી. સંતોષની સારવાર કરી રહેલા ડો. સિન્હાએ જણાવ્યું છે કે યુવકની સ્થિતિ સુધારા પર છે. જોકે, સર્પદંશના આ કિસ્સામાં સાત સંતોષ જેટલો નસીબદાર નહોતો. સંતોષ દ્વારા બટકા ભરવાને કારણે સ્થળ પર જ સાપનું મોત થઈ ગયું. બાદમાં સંતોષના સહકર્મચારીઓએ સાપને ફેંકી દીધો હતો.

સર્પદંશને કારણે ભારતમાં થાય છે હજારો મોત
જણાવી દઈએ કે ભારતમાં દર વર્ષે લગભગ 50 હજાર લોકોના મોત સર્પદંશને કારણે થાય છે. આમાંથી નેવું ટકા મૃત્યુ ‘કોમન ક્રેટ’, ‘ઇન્ડિયન કોબ્રા’, ‘રસેલ વાઇપર’ અને ‘સો સ્કેલ્ડ વાઇપર’ પ્રજાતિના સાપના કરડવાથી થાય છે.