July 5, 2024

ટીમ ઈન્ડિયાની વતન વાપસીમાં હજુ થશે મોડું, જાણો ક્યારે નીકળશે બાર્બાડોઝથી!?

Team India: બાર્બાડોઝમાં ખરાબ હવામાનને કારણે ભારતીય ક્રિકેટ ટીમની સ્વદેશ વાપસીમાં સતત મોડું થઈ રહ્યું છે. રોહિત શર્માની ટીમે શનિવારે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવીને T20 વિશ્વકપ 2024નું ટાઇટલ જીતી લીધું અને ટીમ રવિવારે ભારત આવવા માટે રવાના થવાની હતી. પરંતુ, બેરિલ વાવાઝોડાને લીધે ટીમે બાર્બાડોઝમાં જ રોકાવું પડ્યું હતું. બાર્બાડોઝમાં વાવાઝોડાના જોખમને જોતાં ત્યાંની સરકારે એરપોર્ટ બંધ કરી દીધું હતું અને તમામ ફ્લાઇટ્સ કેન્સલ કરી દીધી હતી. પહેલા એ વાત સામે આવી હતી કે બુધવારે ટીમ ઈન્ડિયા ઘરે આવી શકે છે. જોકે, બુધવારે કેટલાંક રિપોર્ટ્સના હવાલાથી એ વાત સામે આવી છે કે ટીમ ઈન્ડિયાના બાર્બાડોઝથી નિકળવામાં હજુ મોડું થઈ શકે છે. ભારતીય ખેલાડીઓ ગુરુવારે સવારે દિલ્હી પહોંચી શકે છે.

ચાર્ટર ફ્લાઇટ ટીમ ઈન્ડિયાને લેવા પહોંચી
મીડિયા અહેવાલો મુજબ, ભારતીય ટીમને લેવા માટે પહોંચેલી ચાર્ટર ફ્લાઇટ જ હજુ સુધી બાર્બાડોઝ નથી પહોંચી. એર ઈન્ડિયાની એક સ્પેશિયલ ચાર્ટર ફ્લાઇટ AIC24WC (એર ઈન્ડિયા ચેપીયન્સ 24 વર્લ્ડ કપ) ભારતીય ટીમ, તેમના સહયોગીઓ, ખેલાડીઓના પરિવાર અને કેટલાંક બોર્ડના અધિકારીઓ અને ભારતીય મીડિયાને પરત લાવવા માટે તૈયાર છે. આ તમામ લોકો બેરિલ વાવાઝોડાને કારણે બાર્બાડોઝમાં ફસાયેલા છે.

જાણો ક્યારે ભારત પરત આવી શકે છે ભારતીય ટીમ
રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ શનિવારે વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવી રોમાંચક જીત મેળવી લીધી છે. ચાર્ટર ફ્લાઇટ 2 જુલાઇથી અમેરિકાના ન્યુ જર્સીથી ઉપાડી છે અને ગણતરીના કલાકોમાં બાર્બાડોઝ પહોંચવાની આશા છે. શિડ્યુલ મુજબ, ફ્લાઇટ બાર્બાડોઝથી 3 જુલાઇના રોજ સ્થાનિક સમય મુજબ 4.30 એટલે કે બહરતીય સમય અનુસાર આજે બપોરે 2 વાગે ટેક ઓફ કરી શકે છે. દિલ્હી પહોંચવામાં 16 કલાકનો સમય લાગી શકે છે. એટલે કે વિશ્વ ચેમ્પિયન ટીમ ગુરુવારે ભારતીય સમય મુજબ સવારે 6 વાગે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ કરી શકે છે. પરંતુ, જો ફ્લાઇટ ટેક ઓફમાં મોડું ન થાય તો જ ટીમ ઈન્ડિયા નિયત સમયે ભારત પરત આવશે.

પીએમ મોડી કરશે ટીમ ઈન્ડિયાનું સ્વાગત
બાર્બાડોસનું ગ્રાન્ટલી એડમ્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ મંગળવારે ફરી શરૂ થઈ ગયું છે. અગાઉ, ભારતીય ટીમ 2 જુલાઈના રોજ સ્થાનિક સમય અનુસાર સાંજે 6 વાગ્યે રવાના થવાની હતી અને ભારતીય સમય મુજબ બુધવારે સાંજે 7.45 વાગ્યે ભારત પહોંચવાની હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવનાર છે, પરંતુ તે કાર્યક્રમનું શિડ્યુલ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. હરિકેન બેરીલ હવે કેટેગરી 5 થી ડાઉનગ્રેડ કરીને કેટેગરી 4 નું હરિકેન થઈ ગયું છે અને તે જમૈકા તરફ આગળ વધી રહ્યું છે.