July 2, 2024

વડોદરા: SSG હોસ્પિટલની કેન્ટીનમાં શાકભાજીમાં વંદા ફરતા નજરે પડ્યા

વડોદરા: વર્તમાન સમયમાં જાહેર રસ્તાઓ પર અને તેની આસપાસ ખાણીપીણીની દુકાનો ચાલતી હોય છે. ત્યાં જ શાળા કોલેજના વિદ્યાર્થીઓ અલગ અલગ નાસ્તો કરવા માટે જતા હોય છે. ત્યારે ઘણી વખત દુકાનદાર વધુ પૈસા કમાવવાની લાલચમાં ખાદ્ય પદાર્થમાં ભેળશેળ કરીને તેનું વેચાણ કરતા હોય છે. તેના જ કારણે આવો ખોરાક ખાવાથી વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં મૂકાય છે. ત્યારે આવા દુકાનદારો સામે કાર્યવાહી કરવા માટે વડોદરામાં ફુડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે.

વડોદરામાં સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકાની રજૂઆત બાદ ફૂડ વિભાગ દ્વારા SSG હોસ્પિટલના કેન્ટીનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં ફૂડ વિભાગના અધિકારીઓ પહોંચતા નજારો જોઇ પોતે પણ ચોંકી ગયા હતા. SSG હોસ્પિટલના કેંટીનમાં વેઇટરો કેપ અને ગ્લોવસ પહેર્યા વિના જમવાનું પીરસી રહ્યા હતા. સાથે જ કેન્ટીનમાં ખાંડ સહિત શાકભાજીમાં વંદા ફરતા નજરે પડ્યા હતા. જે બાદ SSG હોસ્પિટલના કેન્ટીનમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોવાનો કોર્પોરેટરે આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો: વિવેકાનંદ કોલેજને AMCના ફાયર વિભાગે કરી સીલ, 4000 વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર

આ મામલે ફુડ ઓફિસર પ્રશાંત ભાવસારે જણાવ્યું હતું કે, ફૂડ વિભાગના દરોડા બાદ કેન્ટીન હાલ બંધ કરવાનો આદેશ આપી દેવમાં આવ્યો છે. સમગ્ર મામલે ફૂડ ઓફિસર પ્રશાંત ભાવસારે કાઉન્સિલર જાગૃતિ કાકાની ફરિયાદના આધારે દરોડા પાડ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેઓએ કહ્યું કે, SSG હોસ્પિટલના કેન્ટીનમાં સડેલા બટાકા, ટામેટા અને ખાંડમાં જીવાત જોવા મળી છે. બે દિવસ અગાઉ પણ અહીથી સેમ્પલ લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તેમને કઈ પણ વેચાણ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

આ સાથે જ વડોદરા ST ડેપો પાસે આવેલ શ્રી જગદીશ ફરસાણમાંથી ખરીદેલી ભાખરવડીમાંથી ફૂગ નીકળી હોવાની ઘટના સામે આવી છે.ગ્રાહકે વડોદરા શ્રી જગદિશમાંથી ભાખરવડી ખરીદી હતી અને ઘરે જઈને ભાખરવડીનું બોક્સ ખોલતા તેમાંથી ફૂગ નીકળી હતી. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ફૂડમાંથી જીવાત, ગરોળી અને ફૂગ નીકળવાની ઘટનાઓ બનવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.