December 5, 2024

ચીનને સમર્થન: નેપાળના PM કેપી શર્મા ઓલીએ હવે ડ્રેગનનો હાથ કેમ પકડ્યો?

Khadga Prasad Sharma Oli: ભારતના પ્રભાવથી દૂર જવાના પ્રયાસમાં નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ચીન સાથેના પોતાના આર્થિક અને રાજદ્વારી સંબંધોને ગાઢ બનાવવાની વ્યૂહરચના અપનાવી છે. ઉલ્લેખનીય છે કે ઓલી આ વર્ષે ચોથી વખત નેપાળના વડાપ્રધાન બન્યા છે. પીએમ બન્યા પછી, તેમણે તેમના પ્રથમ સત્તાવાર વિદેશ પ્રવાસ માટે ચીનની પસંદગી કરી. પરંપરાગત રીતે નેપાળના વડાપ્રધાન તેમના કાર્યકાળની શરૂઆતમાં ભારતની મુલાકાતે આવ્યા છે, પરંતુ ઓલી આ પરંપરાને તોડીને ચીન તરફ વળ્યા છે.

ચાર દિવસની મુલાકાતે ચીન પહોંચેલા ઓલીએ બેઈજિંગમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં શી જિનપિંગે નેપાળમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે સમર્થન આપવાનું વચન આપ્યું હતું. શીએ કહ્યું કે ચીન નેપાળના આર્થિક વિકાસમાં શક્ય તમામ મદદ કરશે.

નેપાળ અને ચીને આ મુલાકાત દરમિયાન 9 જૂના કરારો પુનરોચ્ચાર કર્યા હતા, પરંતુ કોઈ નવા કરાર પર હસ્તાક્ષર થયા ન હતા. આમાં મુખ્યત્વે 2017 માં હસ્તાક્ષર કરાયેલ બેલ્ટ એન્ડ રોડ પહેલ (BRI)નો સમાવેશ થાય છે, જે હેઠળ નેપાળને કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ દ્વારા ચીન સાથે જોડવામાં આવશે.

લાંબા સમયથી પોતાની આર્થિક અને વ્યાપારી જરૂરિયાતો માટે ભારત પર નિર્ભર રહેતું નેપાળ હવે ચીન સાથે પોતાના સંબંધોને વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. નેપાળનો બે તૃતીયાંશ વેપાર ભારત સાથે છે, જ્યારે તેનો માત્ર 14% વેપાર ચીન સાથે છે. આમ છતાં ચીન નેપાળનું સૌથી મોટું ધિરાણકર્તા છે.