સુનિતા વિલિયમ્સની વાપસી ટળી… છેલ્લી ઘડીએ રોકવું પડ્યું SpaceX ના Crew-10નું લોન્ચિંગ

NASA: સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરના પાછા ફરવામાં ફરી વિલંબ થયો છે. કારણ કે સ્પેસએક્સે બુધવારે છેલ્લી ઘડીએ ક્રૂ-10 મિશનના લોન્ચિંગને મુલતવી રાખ્યું હતું. આ મિશન ચાર નવા અવકાશયાત્રીઓને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર મોકલવાનું હતું, જેનાથી નવ મહિનાથી ત્યાં ફસાયેલા અમેરિકન અવકાશયાત્રી બુચ વિલ્મોર અને સુનિતા વિલિયમ્સનું પરત ફરવું શક્ય બન્યું હોત.
સુનિતા અને બુચ ગયા વર્ષે બોઇંગના દુર્ભાગ્યપૂર્ણ સ્ટારલાઇનર કેપ્સ્યુલમાં ગયા હતા પરંતુ હજુ સુધી પાછા ફર્યા નથી. વિલ્મોર અને વિલિયમ્સની સફર ફક્ત આઠ દિવસની હતી. પરંતુ સ્ટારલાઇનરમાં ખામીને કારણે તેઓ પાછા ફરી શક્યા નહીં.
નાસાએ લોન્ચ મુલતવી રાખવાની જાહેરાત કરી છે અને હજુ સુધી નવી તારીખ જાહેર કરી નથી. નાસા આ મિશન દ્વારા સ્પેસ સ્ટેશન પરના ક્રૂને બદલવાની યોજના બનાવી રહ્યું હતું. જેથી વિલ્મોર અને વિલિયમ્સને પાછા લાવી શકાય. આ મિશનને અગાઉ નિર્ધારિત સમયપત્રક કરતાં બે અઠવાડિયા વહેલું મોકલવાનું આયોજન હતું. ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્પેસએક્સના સીઈઓ એલન મસ્કે તેમના વહેલા પાછા ફરવા માટે દબાણ કર્યું હતું.
4 મુસાફરો ISS જઈ રહ્યા છે
આ મિશનમાં બે અમેરિકન, એક જાપાની અને એક રશિયન અવકાશયાત્રીનો સમાવેશ થતો હતો. નાસાએ ખાતરી આપી છે કે વિલ્મોર અને વિલિયમ્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે. 4 માર્ચે એક ફોન કોલમાં સુનિતા વિલિયમ્સે કહ્યું કે તે તેમના પરિવાર અને પાલતુ કૂતરાઓને મળવા માટે આતુર છે.
ક્રૂ-10 મિશન ફક્ત નિયમિત ક્રૂ રોટેશન માટે જ હતું, પરંતુ તે રાજકીય ચર્ચાનો વિષય બની ગયું છે. ટ્રમ્પ અને મસ્કે વિલ્મોર અને વિલિયમ્સના પાછા ફરવામાં વિલંબ માટે બાઈડન વહીવટીતંત્રને જવાબદાર ઠેરવ્યું છે. તેમના દબાણને કારણે નાસાને શક્ય તેટલી વહેલી તકે મિશન મોકલવા માટે સ્પેસએક્સ કેપ્સ્યુલનો ઉપયોગ કરવો પડ્યો.