December 22, 2024

14 વર્ષની દુષ્કર્મ પીડિતાને લઇને સુપ્રીમનો મોટો નિર્ણય, ગર્ભપાત કરાવવાની આપી મંજૂરી

નવી દિલ્હી:  સુપ્રીમ કોર્ટે આજે દુષ્કર્મ પીડિતાના ગર્ભપાત મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે કે સગીર દુષ્કર્મ પીડિતાનો ગર્ભપાત થશે. કોર્ટે પીડિતાને 30મા સપ્તાહમાં ગર્ભપાત કરાવવાની પરવાનગી આપી છે. કોર્ટે કહ્યું કે આ બળાત્કારનો મામલો છે અને પીડિતા 14 વર્ષની છે. આ અસાધારણ કેસને ધ્યાનમાં રાખીને ગર્ભપાતની મંજૂરી છે.

મેડિકલ રિપોર્ટ જોયા બાદ CJIએ નિર્ણય આપ્યો
CJI DY ચંદ્રચુડની બેન્ચે હોસ્પિટલનો મેડિકલ રિપોર્ટ જોયા બાદ આ નિર્ણય આપ્યો છે. મુંબઈની હોસ્પિટલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સગીરનો ગર્ભપાત કરાવવો જોઈએ. મહારાષ્ટ્રની 14 વર્ષની રેપ પીડિતાએ સુપ્રીમ કોર્ટ પાસે ગર્ભપાતની પરવાનગી માંગી હતી. કોર્ટે શુક્રવારે 19 એપ્રિલે સાંજે 4.30 કલાકે આ મામલે તાકીદની સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે પીડિતાની મેડિકલ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. પીડિતાને મહારાષ્ટ્રની એક હોસ્પિટલમાં તબીબી તપાસ કરાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેથી તે સ્પષ્ટ થઈ શકે કે ગર્ભપાતની શારીરિક અને માનસિક રીતે સગીર પર શું અસર પડશે.

બોમ્બે હાઈકોર્ટે પરવાનગી આપવાનો ઈન્કાર કરી દીધો હતો
CJI ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે આ મામલે વિશેષ સુનાવણી કરી હતી. આ મામલે બેન્ચને મદદ કરવા માટે ASG ઐશ્વર્યા ભાટી પણ હાજર હતા. સગીરની માતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં બોમ્બે હાઈકોર્ટના 4 એપ્રિલ, 2024ના આદેશને પડકારવામાં આવ્યો હતો. જેમાં બોમ્બે હાઈકોર્ટે સગીરને ગર્ભપાતની પરવાનગી આપી ન હતી. આ કેસમાં આઈપીસીની કલમ 376 અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મામલો શું છે
CJI ચંદ્રચુડની બેન્ચે બોમ્બે હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો હતો અને સગીરની મેડિકલ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ખંડપીઠે જણાવ્યું હતું કે બોમ્બે હાઈકોર્ટ દ્વારા યૌન શોષણ અંગે આધાર રાખેલ મેડિકલ રિપોર્ટ સગીર પીડિતાની શારીરિક અને માનસિક સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ ગયો છે. કોર્ટમાં રજૂ કરાયેલા રેકોર્ડ્સ પરથી આ વાત સામે આવી છે કે, મહારાષ્ટ્ર સરકારે અરજદાર અને તેની સગીર પુત્રીને સલામતી સાથે હોસ્પિટલમાં લઈ જવાનો નિર્ણય લેવો જોઈએ. તપાસ માટે રચવામાં આવેલ મેડિકલ બોર્ડે પણ સગીરના જીવને જોખમમાં મૂક્યા વિના ગર્ભપાત કરી શકાય કે કેમ અને 14 વર્ષની છોકરીની માનસિક સ્થિતિ પર ગર્ભપાતની શું અસર પડશે તે અંગે પણ પોતાનો અભિપ્રાય આપવો જોઈએ.