September 14, 2024

સુરતમાં રોગચાળો વકર્યો, ઝાડા-ઉલટી બાદ એક બાળક સહિત 2ના મોત

અમિત રૂપાપરા, સુરત: કાળઝાળ ગરમીને લઇને હવે રોગચાળામાં વધારો થવાના કેસ સામે આવે છે. ત્યારે હવે સુરત શહેરમાં રોગચાળો વધી રહ્યો છે. ત્યારે ઉનાળામાં ઝાડા ઉલટીના કેસો વધતા મહિલા અને બાળકના મૃત્યુની ઘટના પણ સામે આવે છે. આ ઘટનાને લઈને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા તાત્કાલિક જ પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે અને આ બંને જગ્યાઓની આસપાસ રહેલા બોરિંગને પણ સીલ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્વાઈન ફ્લૂનો એક કેસ સુરતના ડીંડોલી વિસ્તારમાં સામે આવતા આરોગ્ય વિભાગ મહિલાના ઘરની આસપાસના ઘરોમાં પણ સર્વેની કામગીરી હાથ ધરી છે.

સુરત શહેરમાં ઝાડા ઉલટીથી બે વર્ષના બાળક સહિત બે લોકોના મોતની ઘટના સામે આવી છે. સચિન અને ગોડાદરા વિસ્તારમાં આ ઘટના બની છે. જેમાં સુરતના સચિન વિસ્તારમાં રહેતા અને મૂળ બિહારના જીતન પાસવાન ના બે વર્ષના પુત્રને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા. તેથી બે વર્ષના દીકરા વિષ્ણુને સારવાર માટે ઉન પાટીયાની આસ્થા ક્લિનિકમાં લઈ જવામાં આવ્યા હતા અને સારવાર બાદ જ્યારે બાળકને ઘરે લાવવામાં આવ્યો ત્યારે બાળકની તબિયત વધારે લથડી અને તેનું ઘરે મોત નીપજ્યું હતું. તો બીજી ઘટના સુરતના ગોડાદરા વિસ્તારમાં ગોપાલ નગરમાં સામે આવી છે. જેમાં 28 વર્ષની કલાવતી નામની મહિલાને ઝાડા ઉલટી થતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં વધુ તબિયત લથડતા મહિલાનું મોત થયું હતું.

ઝાડા ઉલટીથી મોતની ઘટનાઓ સામે આવતા આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યો હતો અને આરોગ્ય વિભાગની 10 જેટલી ટીમો દ્વારા બંને જગ્યાઓ પર પાણીના સેમ્પલો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત બંને જગ્યા પરથી બોરિંગનું પાણી હોવાથી આ બોરિંગને પણ સીલ કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે, સુરતના ડીંડોલી વિસ્તારમાં રહેતા એક મહિલાને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને તાવ શરદી ઉધરસ જેવા સામાન્ય લક્ષણો હતાં. ત્યારબાદ મહિલાનો રિપોર્ટ કરવામાં આવતા મહિલાને સ્વાઈન ફ્લૂ થયો હોવાનું સામે આવ્યું હતું. સ્વાઇન ફલૂ પહેલો કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યો હતો અને મહિલાના ઘરની આસપાસ રહેતા લોકો અને પરિવારના સભ્યોને કોઈપણ લક્ષણો છે કે નહીં તે બાબતે પણ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ગરમી સતત વધી રહી હોવાના કારણે આરોગ્ય અધિકારી દ્વારા લોકોને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની અને કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે.