મોડેલને ધમકી આપી શારીરિક સંબંધ બાંધનારો વેપારી જેલમાં ધકેલાયો
સુરતઃ શહેરના અલથાણ વિસ્તારની મોડલ પર બળાત્કાર કરવાના કેસમાં વેપારીની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. આરોપી વેપારી મિતેષે મોડેલ પર નજર રાખવા માટે તેની કારમાં ચોરી છૂપીથી GPS લગાવ્યું હતું. તેટલું જ નહીં, મોડેલના બરડા પર નબીરાએ સિગારેટના ડામ આપ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, પોલીસે વેપારીને રવિવારે કોર્ટમાં રજૂ કર્યો હતો. ત્યારબાદ તેને ત્યાંથી લાજપોર જેલમાં ધકેલવામાં આવ્યો હતો. 35 વર્ષીય વેપારી મિતેષ જૈને 2018માં ફોટોશૂટના બહાને મોડેલને પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે અવારનવાર મોડેલના ઘરે જઈને તેને હેરાન-પરેશાન કરતો હતો. મોડેલ સાથે શારીરિક સંબોધ બાંધી ધમકી પણ આપી હતી.
વેપારીએ મોડેલ સાથે મુંબઈ, દમણ, ગોવા, સુરતમાં અનેક જગ્યાએ લઈ જઈને અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા અને ધમકી આપી હતી. ત્યારે ડુમસના કાફેમાં અને વીકએન્ડ એડ્રેસમાં મોડેલ સાથે વેપારીએ માથાકૂટ કરી હતી. તેટલું જ નહીં, વેપારીની લાયસન્સવાળી રિવોલ્વર છીનવીને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. ત્યારે આ મામલે મોડેલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી વેપારી મિતેષ જૈનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.