સુરતમાં સાળાના પ્રેમલગ્નનો ખાર રાખી જીજાજીની હત્યા; 2ની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ સાળાએ યુવતી સાથે પ્રેમ કર્યો હતો અને ભગાડીને લઈ ગયો હતો. પરંતુ સજા જીજાજીને મળી છે. યુવતીના પરિવારના સભ્યોએ જીજાજીનું અપહરણ કરી તેની હત્યા કરી લાશને કેનાલમાં ફેંકી દીધી હતી. આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ લાશ ઓલપાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારની કેનાલમાંથી મળી હોવાના કારણે પોલીસે મૃતદેહને લાવારીસ સમજી પોલીસે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા, તેથી પરિવારને લાશના અંતિમ સંસ્કાર પણ નસીબ ન થયા.
8 એપ્રિલ 2025ના રોજ સાંજે છ વાગ્યા આસપાસ કાપોદ્રા કપૂરવાડી ખોડિયાર નગર ખાતે શાકભાજી વેચવા માટે ગયેલો પ્રમોદ ચૌધરી નામનો વ્યક્તિ ગુમ થયો હતો. આ મામલે આરતી દેવી નામની મહિલાએ 9 એપ્રિલ 2025ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મિસિંગ ફરિયાદ નોંધાવી હતી. 9 એપ્રિલની મિસિંગ ફરિયાદ હોવા છતાં પણ પોલીસ દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આરતી દેવી અને તેના પરિવારના સભ્યો દરરોજ મિસિંગ ફરિયાદની તપાસ ક્યાં સુધી પહોંચી તે પૂછવા માટે પોલીસ સ્ટેશન જતા હતા, પરંતુ પોલીસ દ્વારા આરતી દેવી અને તેના પરિવારના સભ્યોને કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવતો ન હતો. પોલીસ સ્ટેશનથી જવા માટે જણાવવામાં આવતું હતું અને અવારનવાર ધક્કાઓ ખવડાવવામાં આવતા હતા.
પોલીસે આ બાબતે સમયસર કામગીરી ન કરતા હોવાના પરિવારના આક્ષેપ વચ્ચે ગુમ થયેલા પ્રમોદ ચૌધરીની હત્યા થઈ હોવાની જાણ પોલીસને 14 એપ્રિલના રોજ થઈ હતી. પોલીસને જાણવા મળ્યું હતું કે, પ્રમોદ ચૌધરીનો સાળો ધનંજય ચૌધરી એક યુવતીને ભગાડીને લઈ ગયો હતો અને અને આ બાબતે યુવતીના પરિવારના સભ્યો દ્વારા પ્રમોદ ચૌધરીને 24 કલાકમાં ઉઠાવી લેવાની ધમકી આપવામાં આવી હતી. તેથી આ સમગ્ર મામલે પોલીસે યુવતીના ભાઈ નિતેશ બૈઇઠાની પૂછપરછ કરી અને ત્યારબાદ પોલીસને જાણવા મળ્યું કે, ગુમ થયેલા પ્રમોદ ચૌધરીને બીજા દિવસે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની લાશને પીપોદરા કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી.
કેનાલમાં પ્રમોદ ચૌધરીની લાશ ઓલપાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કારેલી ગામના નજીકથી મળી આવી હતી અને ઓલપાડ પોલીસ દ્વારા આ બાબતે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. લાશના ફોટોગ્રાફ જાહેર કરતા કાપોદ્રા પોલીસને પણ જાણ થઈ હતી કે, પ્રમોદની હત્યા થઈ છે અને તેની લાશ ઓલપાડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી મળી છે. બીજી તરફ બે દિવસ સુધી ઓલપાડ પોલીસને આ લાશના વાલી વારસની જાણ ન થઈ હોવાના કારણે પોલીસે લાશના અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા.
તો બીજી તરફ કાપોદ્રા પોલીસ દ્વારા યુવતીના ભાઈ નિતેશની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, 8 એપ્રિલ 2025ના રોજ નિતેશ અગાઉ જ્યાં ગેરેજમાં કામ કરતો હતો તેના માલિક મોહિત પરવડીયા તેમજ તેના મિત્રો કપિલ, જય ઉર્ફે બાવો અને દીક્ષિત મકવાણાની મદદથી પ્રમોદ ચૌધરીનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ પ્રમોદ ચૌધરીને કારમાં અપહરણ કર્યું હતું. ત્યારબાદ પ્રમોદને માર મારી તેનો સાળો ધનંજય યુવતીને ક્યાં લઈ ગયો છે. તેની પૂછપરછ કરી હતી. પ્રમોદને આ બાબતે કોઈ પણ ખબર ન હતી અને આ ઈસમો દ્વારા પ્રમોદને વધુ માર મારતા તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ બેભાન થઈ ગયેલા પ્રમોદને પીપોદરા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો.
પોલીસે આ બાબતે નિલેશની ધરપકડ કરી અને ગુનામાં ભાગતા ફરતા આરોપીને પકડવાની કામગીરી હાથ ધરી હતી. તે સમયે બાતમીના આધારે પોલીસે ભાવનગરના પાલીતાણા નજીકથી દીક્ષિત મકવાણાની પણ ધરપકડ કરી હતી. દીક્ષિત મકવાણાની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, 8 એપ્રિલ 2025ના રોજ રાત્રિના 8:30 વાગ્યા આસપાસ પ્રમોદ ચૌધરીનું અપહરણ કરવામાં આવ્યું હતું.
દીક્ષિતે એવું પણ જણાવ્યું કે, તેની સાથે મોહિત, કપિલ અને જય સાથે હતા અને અપહરણ બાદ પ્રમોદ ચૌધરીને માર મારતા તેનું મૃત્યુ થયું હતું અને ત્યારબાદ તમામે પ્રમોદના મૃતદેહને કેનાલમાં નાખી દેવાનું નક્કી કર્યું હતું. 9 એપ્રિલ 2025ના રોજ રાત્રે 4:30 વાગ્યા આસપાસ પીપોદરા નજીક કેનાલમાં મૃતદેહ નાખી દીધો હતો. ત્યારબાદ તમામ આરોપી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે આ સમગ્ર મામલે નિતેશ અને દીક્ષિતની ધરપકડ કરી અન્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.