સુરતીલાલાઓ આનંદો, સમગ્ર શહેરમાં બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે

અમિત રુપાપરા, સુરતઃ રાજ્યમાં સુરજદેવતાનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. એટલે કે ગરમીના કારણે રાજ્યમાં લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલોના કારણે રસ્તા પર લોકોને દોઢથી બે મિનિટ જેટલો સમય દરેક પોઇન્ટ પર ઊભા રહેવું પડતું હોવાના કારણે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે લોકોની હાલાકીને ધ્યાનમાં લઇ અને હીટવેવની આગાહીને ધ્યાનમાં લઇ લોકો લુથી બચી શકે એટલા માટે સુરત શહેરના સિગ્નલ બપોરના સમય દરમિયાન બંધ રાખવાનો નિર્ણય સુરત શહેર ટ્રાફિક વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.

રાજ્યમાં આકરા તાપના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ગરમીના કારણે લૂ લાગવાથી લોકોની તબિયત ખરાબ થતી હોવાના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરતમાં ગરમી અને અસહ્ય બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

તો બીજી તરફ ટ્રાફિક નિયમનને લઈને શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર દરેક જગ્યા પર લોકોને આકરા તાપમા દોઢથી બે મિનિટ જેટલો સમય ઊભા રહેવું પડે છે. આ પરિસ્થિતિમાં લોકોને આકરા તાપનો સામનો પણ કરવો પડે છે. ત્યારે લોકો લૂથી બચી શકે એટલા માટે સુરત શહેર ટ્રાફિક વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સુરત શહેર ટ્રાફિક વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે કે, ઉનાળામાં હીટવેવની પરિસ્થિતિ તેને લઈ લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે એટલા માટે બપોરે 1 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી સુરત શહેરના 213 જેટલા સિગ્નલ બંધ રહેશે. આ માહિતી સુરત ટ્રાફિક વિભાગના ડીસીપી અમિતા વાનાણી દ્વારા આપવામાં આવી હતી.

સુરત શહેર ટ્રાફિક વિભાગ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો નહીં પડે. કારણ કે, સુરત શહેરમાં બે બે મિનિટના અંતરે સિગ્નલો આવતા હોવાથી લોકોને ઘર બપોરે તડકામાં 30 સેકન્ડથી લઈને બે મિનિટ સુધી સિગ્નલ અનુસાર દરેક પોઇન્ટ પર ઊભું રહેવું પડતું હતું. તેના કારણે જ્યાં વ્યક્તિ 15 મિનિટમાં પહોંચતો હતો તે સ્થળ પર પહોંચવા માટે વ્યક્તિને આકરા તાપમાં 30થી 35 મિનિટ જેટલો સમય લાગતો હતો.