July 4, 2024

સુરતમાં કોર્પોરેટરના પુત્રની દાદાગીરી, ગેરકાયદેસર ઉભું કરેલું દબાણ દૂર કરવા ગયેલી ટીમ પર હુમલો

અમિત રુપાપરા, સુરતઃ રાજકોટના ગેમઝોનમાં આગની ઘટનામાં 28 લોકોના મોત થયા બાદ હવે સમગ્ર રાજ્યનું તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. તક્ષશિલા અગ્નિકાંડ બાદ ઘોર નિંદ્રામાં રહેલું સુરત મહાનગરપાલિકાનું તંત્ર પણ હવે જાગ્યું છે અને તાત્કાલિક અસરથી સુરત શહેરમાં ફાયર સેફ્ટી એનઓસી ન હોય તેવા બિલ્ડિંગોને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ બીયુસી વગરની પ્રોપર્ટીઓને પણ સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ સુરતમાં ભાજપના જ કોર્પોરેટરના દીકરાએ કરેલું ગેરકાયદેસર બાંધકામ ડિમોલેશન કરવા માટે પહોંચેલી પાલિકાની ટીમને કોર્પોરેટરના પતિ, બે દીકરા અને સ્થાનિક લોકોએ ઘેરી લીધી હતી અને પાલિકાના અધિકારીઓને ધાકધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ ઉધના ઝોનના ડેપ્યુટી ઇજનેર એન આર ચૌધરી દ્વારા આ બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ભાજપના કોર્પોરેટરના પતિ અને બે દીકરા સામે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનના અધિકારીઓ ઉધના ટીપી સ્કીમ નંબર 56ના પ્લોટ નંબર આર 24મા તપાસ કરવા માટે ગયા હતા. તે સમયે અધિકારીઓને જાણવા મળ્યું કે પાલિકાની લાઇબ્રેરી અથવા તો શાળા માટે રિઝર્વ રાખવામાં આવેલી જગ્યા પર ભાજપના જ કોર્પોરેટર ગીતાબેન રબારીના દીકરા દ્વારા દબાણ ઉભું કરવામાં આવ્યું છે અને પતરાવાળી ખોલીનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું.

આ ગેરકાયદેસર બાંધકામને તોડવા માટે ઉધના ઝોનના અધિકારી ચંદ્રેશ પટોડીયા, પ્રજ્ઞેશ ચૌધરી, કેતન ગૌસ્વામી, મયુર પટેલ, ફેનીલ મહેતા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ અધિકારીઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતા દબાણના સ્ટાફ તેમજ સિક્યોરિટીના સ્ટાફને વોર્ડ નંબર 23ના કોર્પોરેટર ગીતાબેન રબારીના પતિ તેજાભાઈ રબારી તેમજ તેમના બે દીકરા મયુર અને મેહુલ દ્વારા આસપાસના લોકોને ભેગા કરીને બાંધકામનું ડિમોલેશન કરતા પાલિકાના સ્ટાફને અટકાવ્યો હતો. ત્યારબાદ પથ્થરમારો કરવાની તેમજ માર મારવાની ધમકી આપી અધિકારીઓની કામમાં રૂકાવટ કર્યું હતું.

આટલું જ નહીં, ઉધના ઝોનના ડેપ્યુટી ઇજનેર એનઆર ચૌધરી સાથે મહિલા કોર્પોરેટરના દીકરા મયુર રબારી દ્વારા ટેલિફોનિક વાતચીત કરીને અભદ્ર ભાષામાં ગાળાગાળી કરવામાં આવી હતી, તેમજ મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક કોર્પોરેટરના પતિ તેમજ તેમના બે દીકરા અને રહેવાસીઓએ એક ટોળું એકત્ર કરી ઉધના ઝોનની કચેરી ખાતે આવી ઉગ્ર રજૂઆત કરી અભદ્ર વ્યવહાર અધિકારીઓ સાથે કર્યો હતો. આ સમગ્ર મામલે ડેપ્યુટી ઇજનેર એન.આર. ચૌધરી દ્વારા સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને એક લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે.

હવે સવાલ એ થઈ રહ્યો છે કે, સુરત મહાનગરપાલિકાના અધિકારી દ્વારા ભાજપના જ કોર્પોરેટરના દીકરા અને પતિ સામે જે અરજી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે તે અરજીને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરશે કે, પછી ભાજપના નેતાઓના દબાણમાં આવીને અધિકારી સાથે કોર્પોરેટરના દીકરાઓનું સમાધાન બાદ અરજી પાછી ખેંચાઈ જશે.