સુરતમાં કોઝવે ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર બંધ, લોકો જોવા ઉમટતા બંદોબસ્ત ગોઠવ્યો
અમિત રુપાપરા, સુરતઃ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ કોઝવેના કેચમેન્ટ એરિયામાં સતત પડી રહેલા વરસાદના કારણે કોઝવે ઓવરફ્લો થયો છે. કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો નયનરમ્ય દ્રશ્ય નિહાળવા માટે આવતા હોવાના કારણે હોમગાર્ડનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ પણ આપવામાં આવ્યું છે. સુરતની તાપી નદીમાં નવા નીરની આવક સતત વધી રહી છે અને કોઝવેના કેચમેન્ટ એરિયામાં સતત પડી રહેલા વરસાદના કારણે રાંદેરનો કોઝવે ઓવરફ્લો થયો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટરની છે અને કેચમેન્ટ એરિયામાં પડેલા વરસાદના કારણે 0.74 મીટર કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે. એટલે કે હાલ કોઝવેની સપાટી 6.74 મીટરની છે.
કોઝવે ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો પણ સર્જાયા છે. તો લોકો કોઝવે પર એકઠાં થતા હોવાના કારણે સુરક્ષાને ધ્યાનમાં લઈને હોમગાર્ડનો બંદોબસ્ત પણ અહીં ગોઠવવામાં આવ્યો છે. જેથી કરીને લોકોને સેલ્ફી લેતા કે પછી કોઝવેના દ્રશ્ય નિહાળતા સમયે કોઈ દુર્ઘટનાનો સામનો ન કરવો પડે. મહત્વની વાત છે કે, સુરતના કોઝવેનો કેચમેન્ટ એરિયા 72 કિલોમીટર સુધીનો છે અને સુરત છે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે કોઝવે ઓવરફ્લો થયો છે.