20 વર્ષ પહેલાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, એરફોર્સના પૂર્વ જવાનની ધરપકડ
અમિત રુપાપરા, સુરતઃ શહેરના રાંદેર વિસ્તારમાં 20 વર્ષ પહેલાં પત્નીની હત્યા કરનારા એરફોર્સના પૂર્વ જવાનની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આગ્રામાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ આગ્રા કરિયાણાની દુકાન શરૂ કરીને ચિત્રાદેવી નામની મહિલા સાથે લગ્ન પણ કરી લીધા હતા.
20 વર્ષ પહેલા એરફોર્સમાં નોકરી કરતા વિનોદકુમાર શર્મા નામના વ્યક્તિ અમદાવાદમાં પોસ્ટિંગ દરમિયાન પાડોશમાં રહેતી ઉર્મિલા નામની મહિલા સાથે પ્રેમસંબંધ બંધાતા તેને ઉર્મિલા સાથે ફૂલહાર કરી પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમ લગ્ન થયા બાદ થોડા દિવસમાં વિનોદ શર્માનું પોસ્ટિંગ બરેલી ખાતે થયું હતું. તેથી તેને આ નોકરી છોડી દીધી હતી અને તે પત્ની ઉર્મિલા સાથે સુરતમાં રહેવા આવી ગયો હતો અને સુરત માટે હીરાના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો અને રાંદેરના આનંદ મંગલ સોસાયટીમાં ભાડાના મકાનમાં પત્ની સાથે રહેતો હતો.
લગ્ન જીવનમાં વિનોદને ચાર વર્ષનો દીકરો પણ હતો અને રાંદેર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા વિનોદ શર્માની પત્ની ઉર્મિલાને મકાન માલિકના દુકાને કામ કરતા વિનોદ શ્રીવાસ્તવ નામના ઈસમ સાથે પ્રેમસંબંધ બંધાઈ ગયો હતો. આ વાતની જાણ વિનોદ શર્માને થતા તેને પત્ની સાથે ઝઘડો કર્યો હતો અને ઝઘડા દરમિયાન ડિસેમ્બર 2004ના રોજ પત્ની ઉર્મિલાના માથામાં લોખંડની પાઇપ વડે હુમલો કરતા ગંભીર ઈજાના કારણે ઉર્મિલાનું મોત નીપજ્યું હતું.
ઉર્મિલાની હત્યા કર્યા બાદ વિનોદ શર્મા ચાર વર્ષના દીકરાને સ્કૂટર પર બેસાડી મકાન લોક કરીને રેલવે સ્ટેશન આવી ગયો હતો. જ્યાં તેને રેલ્વે સ્ટેશન પાસે સ્કૂટરપાર્ક કરી દીધું હતું અને બસ માટે ઉદયપુર ગયો હતો અને ઉદયપુરથી આગ્રા ગયો હતો. આગ્રામાં આરોપી વિનોદ શર્માએ ગુજરાન ચલાવવા માટે એક કરિયાણાની દુકાન ખોલી હતી અને આગ્રામાં જ ચિત્રાદેવી નામની એક મહિલા સાથે બીજા લગ્ન કરી લીધા હતા.
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને આ બાબતે માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ આગ્રા રવાના થઈ હતી અને આગ્રામાં પોલીસે વેશપલટો કરીને આરોપીને શંકા ન જાય તે રીતે તેના પર વોચ રાખી આરોપી વિનોદ શર્માની ધરપકડ કરી તેને સુરત લાવી રાંદેર પોલીસને સોંપવામાં આવ્યો છે. તો આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો આરોપી સામે આગ્રાના જગદીશપુર પોલીસ સ્ટેશનમાં એક મારામારી તેમજ એક આર્મ્સ એક્સ હેઠળ ગુનો દાખલ થયો છે.