December 13, 2024

‘ઓ સાહેબ ઓઇલ લીક થાય છે’ કહી કારમાંથી સમાન ચોરી કરતી ગેંગ ઝડપાઇ

અમિત રૂપાપરા, સુરત: ગીલોલની મદદથી કારના કાચ તોડી, ઉપરાંત કાર નીચે ઓઇલ નાખીને ઓઇલ ઢોળાયું હોવાનું કહીને કારચાલકની નજર ચૂકવી કારની અંદર રહેલી બેગની ઉઠાંતરી કરતી આંધ્રપ્રદેશની નેંલ્લોર ગેંગના 5 આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને 21 ગુનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, નેલ્લોર ગેંગના સભ્યો કે જે ગુજરાતમાં અલગ અલગ શહેરોમાં ગેંગ બનાવીને શહેરમાં ગીલોલ વડે ફોરવીલના કાચ તોડી ગાડીમાં બોનેટ નીચે ઓઇલ ઢોળી ગાડીમાંથી ઓઇલ ટપકે છે, તેવું કહી ફોરવીલમાં બેસેલા ઈસમનું ધ્યાન ભટકાવી કારમાં રહેલ બેગની ઉઠાંતરી કરીને ફરાર થઈ જાય છે. આ ગેંગના બે ઇસમો અક્ષય જાદવ અને અજય જાદવે સુરત શહેરમાં પોતાના સાગરીતો સાથે એક નવી ગેંગ બનાવી છે. ત્યારે આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમેં પોતાના હ્યુમનસોર્સને કામે લગાવ્યા હતા અને આ ગેંગના સભ્યો અડાજણ રામજી ઓવારા પાસે હોવાની આધારભૂત માહિતી પોલીસને મળી હતી તેથી પોલીસે તાત્કાલિક અસરથી આ ગેંગના પાંચ ઈસમને ઝડપી પાડ્યા છે.

આ પાંચ ઈસમોમાં અક્ષય જાદવ, અજય જાદવ, કમલ જાદવ, સુમિત જાદવ અને શંકર ગાયકવાડનો સમાવેશ થાય છે. મહત્વની વાત છે કે આરોપી પાસેથી બે ઓઇલની બોટલ, હેર પીન, રબર બેન્ડ, ચોકલેટ રેપર વડે બનાવેલ ગિલોલ જપ્ત કરી. આરોપી પાસેથી સ્ટીલના નાના છરા 22 નંગ, તેમજ ગીલોલ બનાવવામાં ઉપયોગ લેવા માટેના સાધનોમાં 14 હેર પીન, 11 રબર બેન્ડનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓ સામે નોંધાયેલા 7 અને આરોપીઓએ કબૂલ કરેલા 14 મળી કુલ 21 ગુનાનો ભેદ ઉકેલાયો છે.

ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી સામે સુરતમાં ઉમરા પોલીસ સ્ટેશનમાં બે, વરાછા, ખટોદરા, ઉધના, સરથાણા અને લુણાવાડાના મહીસાગર પોલીસ સ્ટેશનમાં એક એક ગુનો ચોરીનો નોંધાયો છે. આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો અક્ષય જાદવે 2020માં મુંબઈ દાદર ખાતે દુર્ગા માતાના મંદિરમાંથી એક પાકીટની ચોરી કરી હતી. જેમાં 1 લાખ રૂપિયા મળી આવ્યા હતા. ત્યારબાદ 2021માં ટ્રેનમાંથી પાકીટની ચોરી કરી હતી જેમાં 70 હજાર રૂપિયા હતા. અજમેર દરગાહ ખાતેથી ત્રણ ચાર વખત તેને પાકીટની ચોરી કરી હતી તે સમયે તેને 30 થી 35 હજાર રૂપિયા મળ્યા હતા. 2024ના ચોથા મહિનામાં બે વખત તેને ટ્રેનમાંથી પાકીટની ચોરી કરી હતી તે સમયે 10થી 14000 મળ્યા હતા. 2024માં પાંચ મહિનામાં પણ તેને ટ્રેનમાંથી પાકીટની ચોરી કરી હતી જેમાં 45000 મળ્યા હતા અને 2024માં છઠ્ઠા મહિનામાં અમરોલીના છાપરાભાઠા રોડ પર મર્સિડીઝ ગાડીના ચાલકને ઓલ ટપકે છે તેમ કહી ગાડીમાંથી 80 હજાર રૂપિયાની ચોરી કરી હતી.

આ ઉપરાંત આરોપી સુમિત જાદવે વર્ષ 2023માં ભુસાવલ મહારાષ્ટ્ર ખાતેથી પાકીટની ચોરી કરી હતી જેમાં બે લાખ રૂપિયા મળ્યા હતા. આ ઉપરાંત મહારાષ્ટ્રના ભુસાવલ ખાતે આવેલ મંદિરમાં ચારથી પાંચ વખત પાકીટ ચોરી કરી હતી. તેમાં 20 થી 25 હજાર મળ્યા હતા. ઉપરાંત આરોપીએ રતલામ ખાતે પાકીટ ચોરી કરી હતી, જેમાંથી 90 હજાર મળ્યા હતા અને 2023માં સુરતથી ટ્રેનમાં છ થી સાત મહિનામાં પાંચ વખત પાકીટની ચોરી કરી હતી જેમાં 14000 મળ્યા હતા અને પાલેજમાં પાંચ મહિના પહેલા પાકીટની ચોરી કરી હતી. જેમાં 7000 અને 32 હજાર રૂપિયા મળ્યા હતા.

તો શંકર ગાયકવાડ નામના ઇસમે 2023ની સાલમાં મહારાષ્ટ્રના સોલાપુર ખાતેથી પાકીટની ચોરી કરી હતી જેમાં 42000 મળ્યા હતા અને 2023માં સોલાપુર ખાતે આવેલા મહાદેવના મંદિરમાં સવારના સમયે બાકીની ચોરી કરી હતી જેમાં 30,000 રૂપિયા મળ્યા હતા. તો આરોપી કમલ જાદવે દોઢ મહિના પહેલા મેમો ટ્રેનમાંથી પાકીટ ચોરી કરી હતી જેમાંથી 6000 રૂપિયા મળ્યા હતા. આ ઉપરાંત અક્ષય જાદવના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેની સામે 23 ગુના દાખલ થયા છે અને અજય જાદવ સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 25 ગુના દાખલ થયા છે.