November 2, 2024

સુરતની ડાયમંડ પેઢીએ મંદીને કારણે નાદારી નોંધાવતા ખડભળાટ

અમિત રુપાપરા, સુરતઃ ડાયમંડ સિટી કહેવાતા સુરતમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેને લઈને રત્નકલાકારોની દિવાળી ફીકી જોવા મળી રહી છે. ત્યારે મંદીના માહોલ વચ્ચે ડાયમંડ ટ્રેડિંગ અને ફાઇનાન્સનો વેપાર કરતી એક પેઢી 142 કરોડમાં ઉઠી જતા માર્કેટમાં ચકચાર મચી ગઈ છે.

યુક્રેન, રશિયા, પેલેસ્ટાઇન, હમાસ દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને તેને જ લઈને ડાયમંડ ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો કોરોનાની મહામારી બાદ સુરતનો ડાયમંડ ઉદ્યોગ સતત મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હોવાના કારણે રત્ન કલાકારોની દિવાળી ઝાંખી હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ મૂળ સૌરાષ્ટ્રના હીરા વેપારી અને બેલ્જિયમમાં 30 વર્ષથી ટ્રેડિંગ ફાઇનાન્સનો બિઝનેસ કરતા વેપારીની પેઢી દ્વારા 142 કરોડની નાદારી નોંધાવવામાં આવી છે.

142 કરોડની નાદારી આ કંપની દ્વારા નોંધાવવામાં આવી હોવાના કારણે સુરતની હીરા બજારમાં પણ ખળભળાટ મચી ગયો છે. મહત્વની વાત છે કે, ડાયમંડ માર્કેટ છેલ્લા બે વર્ષથી મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યું છે. તો સુરતના કેટલાક ડાયમંડના વેપારી છેલ્લા બે વર્ષથી આ મંદીના માહોલ વચ્ચે કરીને રત્નકલાકારને રોજગારી આપી રહ્યા છે. તો બીજી તરફ દિવાળીના સમયે સુરતના હીરા ઉદ્યોગમાં ખૂબ જ તેજીનો માહોલ હોય છે અને ડાયમંડના એકમો 14થી 15 કલાક સુધી શરૂ રાખવા પડતા હોય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી દિવાળીના સમયમાં પણ ડાયમંડ એકમો 8થી 10 કલાક જ ચાલુ રહ્યા હતા.

તો બીજી તરફ કેટલાક હીરાના વેપારીઓ પોતાની કંપનીમાં કામ કરતા રત્નકલાકારોને પગાર પણ નથી ચૂકવ્યા. હીરા પેઢીના ઉઠામણાના કિસ્સા પણ સામે આવ્યા છે. ત્યારે બેલ્જિયમમાં ડાયમંડ પેઢી 142 કરોડ રૂપિયામાં નાદાર થઈ હોવાના કારણે સુરતના હીરા બજારમાં પણ ખડભળાટ મચ્યો છે. હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માની રહ્યા છે કે, હીરામાં જે પ્રકારે મંદીનો માહોલ છે તેને લઈને જ આ પેઢી કાચી પડી હોઈ શકે છે અને 142 કરોડમાં નાદારી નોંધાવી હોઈ શકે છે.