December 24, 2024

ડિ-બીયર્સ રફ હીરાના ભાવમાં ઘટાડો, હીરા ઉદ્યોગમાં આશાનું કિરણ

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે મંદીમાંથી પસાર થઈ રહેલા આ હીરા ઉદ્યોગમાં એક આશાનું કિરણ જોવા મળ્યું છે કે, ડિ-બીયર્સ રફ હીરાના ભાવમાં દ્વારા પોલિસી ચેન્જ કરીને ઘટાડો કરવામાં આવ્યો હતો. મહત્વની વાત છે કે, ડિ-બીયર્સનો આ ઐતિહાસિક નિર્ણય છે.

ડિ-બીયર્સ વિશ્વની ડાયમંડ માઈન્ડિંગ કંપની અને કંપની દ્વારા સૌપ્રથમ વખત પોલિસીમાં બદલાવ કરવામાં આવ્યો છે અને રફ હીરાના ભાવમાં સરેરાશ 10થી 15 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે, ડિ-બીયર્સની પોલીસી અનુસાર અગાઉ હીરાના ભાવમાં ઘટાડો કરવાના બદલે ગ્રાહકોની સંખ્યા ઘટાડવામાં આવતી હતી. હવે ડિ-બીયર્સ દ્વારા પોલિસીમાં બદલાવ કરવામાં આવ્યો છે અને 10થી 15 ટકાનો સરેરાશ ઘટાડો રફના ભાવમાં કરવામાં આવ્યું છે. આ એક માઈન્ડિંગ કંપની દ્વારા હીરાના ભાવમાં ઘટાડો કરવામાં આવતા અન્ય વૈશ્વિક કંપનીઓ પણ રફ ડાયમંડના ભાવમાં ઘટાડો કરે તેવી શક્યતા ડાયમંડ ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે.

અગાઉ રફ ડાયમંડનો ભાવ વધારે હોવાના કારણે જે ઉદ્યોગકાર ડાયમંડમાંથી તૈયાર કરવામાં પોલિશ્ડ ડાયમંડ તૈયાર કરીને તેને બજારમાં વેચવા જાય તો ભાવ ઓછા આવતા હતા. ઊંચા ભાવે ખરીદેલી રફના તૈયાર ડાયમંડ ઓછા ભાવે વેચાતા ઉદ્યોગકારો પણ મુશ્કેલીમાં મુકાતા હતા. પરંતુ હવે રફના ભાવમાં સરેરાશ 10થી 15 ટકાનો ઘટાડો થતાં ઉદ્યોગકારોને પણ નુકસાનીનો સામનો નહીં કરવો પડે.

તો બીજી તરફ મંદીના માહોલમાં લેબગ્રોન ડાયમંડ હીરા ઉદ્યોગ માટે હાલ ઓક્સિજન સમાન સાબિત થયું છે. વિશ્વમાં સસ્તા લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી હોવાના કારણે સુરતના રત્નકલાકારોને આ લેબગ્રોન ડાયમંડ થકી મંદીના માહોલમાં રોજગારી મળી રહી છે.