સુરતના રત્ન કલાકારો મુશ્કેલીમાં, હીરાની ડિમાન્ડ ઘટતા મંદીનો માહોલ
અમિત રુપાપરા, સુરતઃ શહેરને ડાયમંડ સિટી કહેવામાં આવે છે, પરંતુ ડાયમંડ સિટી સુરતની હવે ચમક ધીરે ધીરે ઝાંખી થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે, સુરત શહેરના રત્નકલાકારો એક પથ્થરને ઘસી ઘસીને ચમકદાર બનાવે છે. પથ્થરમાંથી ડાયમંડ તૈયાર કરતા આ રત્નકલાકારો જ હાલ મુશ્કેલીમાં મુકાયા છે.
ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા બે વર્ષથી મંદીનો માહોલ છે અને મંદીના માહોલ વચ્ચે પસાર થઈ રહેલી આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાંથી અનેક રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે. તો બીજી તરફ બેંગકોકમાં પણ ડાયમંડના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પોતાની ઓફિસો બંધ કરી રહ્યા છે. બેંગકોકના ઉદ્યોગકારો ઓફિસો બંધ કરતા હોવાનું એક કારણ એવું પણ સામે આવ્યું છે કે, ત્યાંના લોકો હીરાની ડિમાન્ડ કરતાં હવે ગોલ્ડની ડિમાન્ડ તરફ વળ્યા છે.
તો બીજી તરફ સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરની ડાયમંડ ઇન્ડસ્ટ્રી લાખો રત્ન કલાકારોને રોજગારી આપે છે. આ ઇન્ડસ્ટ્રી હાલ પડી ભાંગી છે. અલગ અલગ દેશો વચ્ચે થઈ રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક મંદીનો માહોલ છે અને તેના જ કારણે વિશ્વમાં ડાયમંડની ડિમાન્ડ ઘટી છે. આ જ કારણે રત્ન કલાકારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
2008ની મંદી સમયે સુરતના ઘણા ડાયમંડ યુનિટો બંધ થયા હતા અને તેના કારણે હજારો રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા હતા. પરંતુ હાલ કંપનીઓ દ્વારા પણ રત્ન કલાકારોનો વિચાર કરવામાં આવે છે અને તેઓ રત્ન કલાકારોને છૂટા કરવાના બદલે કંપનીના માલિકો દ્વારા પોતાની રીતે આર્થિક બોજો સહન કરીને કામના કલાકો ઘટાડવામાં આવી રહ્યા છે. અઠવાડિયામાં કેટલાક એકમોમાં બે દિવસની રજા પણ આપવામાં આવે છે. તેથી જે રત્ન કલાકારનો પગાર 40,000 હોય તે હાલ 20,000થી 25,000નું જ કામ કરી રહ્યા છે અને આ સમયે મોંઘવારીના કારણે રત્નકલાકારોને પરિવારનો ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ પડી રહ્યું છે.
તો બીજી તરફ, કેટલાક રત્ન કલાકારોએ મંદિરના માહોલ વચ્ચે આર્થિક સંકળામણના કારણે આપઘાત કર્યો હોવાની ઘટના પણ સામે આવી છે. ત્યારે રત્ન કલાકારોને ઉગારવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો. આપઘાત ન કરો અમને ફોન કરોની ટેગલાઈન સાથે આ હેલ્પલાઇન જાહેર કર્યો હતો અને હેલ્પલાઇન જાહેર કરાયા બાદ ડાયમંડ વર્કર યુનિયનને 1500 કરતાં વધારે ફોન આવ્યા હતા. જેમાં તેમને રત્નકલાકારની સમસ્યાઓ સાંભળી હતી અને સાત જેટલા કિસ્સાઓમાં રત્નકલાકારોનો જીવ બચાવ્યો હતો અને તેમને જરૂરી મદદ કરવામાં આવી હતી. ઘરમાં અનાજ કરિયાણાની કીટ તેમજ બાળકોને શાળાની ફી ઉપરાંત મેડિકલ સહાયની વ્યવસ્થા સામાજિક આગેવાનોની મદદથી ડાયમંડ વર્કર યુનિયન દ્વારા કરવામાં આવી હતી.
મહત્વની વાત એ છે કે, રત્ન કલાકારોની સ્થિતિ એક તરફ કફોડી થઈ રહી છે અને બીજી તરફ રત્ન કલાકારો પારિવારિક અને અન્ય સામાજિક કારણોસર પોતાની પડી રહેલી તકલીફો વ્યથિત કરવા ઈચ્છતા નથી. તો કેટલાક નાના એકમો દ્વારા રત્ન કલાકારોને છૂટા પણ કરવામાં આવ્યા છે અને આ રત્ન કલાકારો દ્વારા અલગ અલગ ફિલ્ડમાં નોકરીની શોધખોળ પણ કરવામાં આવી રહી છે. પરંતુ કેટલાક રત્ન કલાકારો એજ્યુકેટેડ ન હોવાના કારણે તેમને નોકરી મળવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને રત્ન કલાકારો બેરોજગાર થતા પરિવારની તમામ આર્થિક જરૂરીયાતો તેઓ સંતોષી શકતા નથી. તેના કારણે સરકાર પાસે ગુહાર લગાવી રહ્યા છે કે મંદીની પરિસ્થિતિમાં રત્ન કલાકારોની મદદ સરકાર કરે અને અલગ અલગ યોજનાઓ રત્ન કલાકારોના હિતમાં બહાર પાડવામાં આવે.