સુરતમાં ડિજિટલ એરેસ્ટની ઘટના, 1.71 કરોડ પડાવ્યાં; 2ની ધરપકડ
અમિત રુપાપરા, સુરતઃ વર્તમાન સમયમાં સાયબર ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ટેકનોલોજીના વધતા જતા ઉપયોગ વચ્ચે ડિજિટલ એરેરેસ્ટ સૌથી વધુ ખતરનાક સાબિત થઈ રહ્યું છે. ત્યારે સુરતના 61 વર્ષના રિટાયર્ડ વ્યક્તિને મની લોન્ડરિંગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેમને સતત 15 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને તેમની પાસેથી 1.71 કરોડ રૂપિયા પડાવવાના કેસમાં સાયબર ક્રાઈમ દ્વારા 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.
સુરત સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 61 વર્ષના રિટાયર્ડ વ્યક્તિ દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી કે, તેમના આધાર કાર્ડ ઉપર કેટલાક ઇસમો દ્વારા સીમકાર્ડ લઈને આ સીમકાર્ડથી કેનારા બેંકમાં અપકાઉન્ટ ઓપન કરાવી મોટાપાયે નાણાકીય વ્યવહારો કરાવવામાં આવ્યા છે અને નરેશ ગોયલ મની લોન્ડરિંગ તેમજ ફ્રોડ કેસમાં આ સિનિયર સિટીઝનની ભૂમિકા હોવાનું અજાણ્યા ઇસમો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ઈસમો દ્વારા સોશિયલ મીડિયા એપ્લિકેશનના માધ્યમથી પોતાની ઓળખ પોલીસ તરીકેની આપવામાં આવી હતી અને પોલીસ તરીકેના બોગસ આઈ કાર્ડ તેમજ બોગસ સીબીઆઇના લેટરો પણ બતાવવામાં આવ્યા હતા.
આ 61 વર્ષના વૃદ્ધનું 15 દિવસ સુધી અલગ અલગ સમયે whatsappના માધ્યમથી વીડિયો કોલિંગ કરીને ડિજિટલ એરેસ્ટ કરીને તેમની પાસેથી 1 કરોડ 71 લાખ 10 હજાર રૂપિયા આરટીજીએસ દ્વારા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસે અમદાવાદમાં રહેતા મુકેશ પટેલની ધરપકડ કરી છે. મુકેશ અમદાવાદમાં ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કરે છે અને નંદનવન ફ્લેટની સામે આવેલ શ્યામ પરિસરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
આ કેસમાં મુકેશની ભૂમિકા એ હતી કે, તે પોતાનું બેન્ક એકાઉન્ટ મેહુલ પટેલ નામના ઇસમને 10,000 રૂપિયાના કમિશન ઉપર ભાડેથી વાપરવા માટે આપતો હતો અને આ કેસમાં મુકેશના બેંક એકાઉન્ટ પર ગુજરાતમાં 1 અને તમિલનાડુમાં 1 આમ કુલ બે ફરિયાદો થઈ હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં ઉપયોગમાં થયેલા આરોપીના બંધન બેન્કના એકાઉન્ટમાં 4,77,500 ટ્રાન્સફર થયા હતા અને અન્ય બેન્ક એકાઉન્ટની તપાસ કરતા 19/7/2024થી 2/10/2024 સુધીમાં 29,93,302 રૂપિયાના ટ્રાન્જેકશન થયા હોવાની માહિતી સામે આવી છે.
તો બીજી તરફ મુકેશ પટેલનું બેન્ક એકાઉન્ટ ભાડેથી લેનારા મેહુલ પટેલની પણ ધરપકડ સાયબર ક્રાઈમ સુરત દ્વારા કરવામાં આવી છે. મેહુલ પણ અમદાવાદનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને આરોપીની ભૂમિકાની વાત કરવામાં આવે તો તેને મુકેશ પટેલ પાસેથી તેનું બેન્ક એકાઉન્ટ 10,000 રૂપિયામાં કમિશન ઉપર અન્ય લોકોને અપાવ્યું હતું. હાલ આ બંનેની ધરપકડ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ આ ગુનામાં અલગ અલગ બેન્ક એકાઉન્ટમાંથી પોલીસે 8 લાખ રૂપિયા પણ ફ્રીઝ કર્યા છે.