December 22, 2024

સુરતમાં લગ્નમાં થયેલ ફાયરિંગમાં પોલીસે ફાયરિંગ કરનારા ઉમેશ તિવારીની કરી ધરપકડ

અમિત રૂપાપરા,:સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી શક્તિ સોસાયટીમાં ગતરોજ રાત્રિના 11 વાગ્યા આસપાસ લગ્નમાં એક ઇસમ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગની ઘટનામાં બે યુવકોને ઈજા થઈ હતી. આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફાયરિંગ કરનારા ભાજપના કાર્યકર્તાનું સરઘસ પણ પોલીસ દ્વારા કાઢવામાં આવ્યુ હતું. આ મામલે પોલીસે ફાયરિંગ કરનારા ઉમેશ તિવારીની ધરપકડ કરી વધુ તપાસ કરી રહી છે.

બચાવ કરવામાં આવ્યો
સુરત શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અસામાજિક તત્વો ઉપર લગામ કસવા માટે પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે ગતરોજ રાત્રે 11 વાગે સુરતના ડીંડોલી વિસ્તારમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ભાજપના કાર્યકર્તા ઉમેશ તિવારી દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઉમેશ દ્વારા સૌપ્રથમ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના હાથમાં જ રહેલી ગનમાંથી મિસ ફાયર થતા બે લોકોને ઈજા થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સૌપ્રથમ પોલીસ દ્વારા ઉમેશનો બચાવ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક ફરિયાદમાં ઉમેશથી મિસ ફાયર થયું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસ દ્વારા ઉમેશની ધરપકડ કરવામાં આવી.

ગુનો નોંધવામાં આવ્યો
મહત્વની વાત છે કે, લગ્ન પ્રસંગ દરમિયાન યોજાયેલા ગરબાના કાર્યક્રમમાં ઉમેશ દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મિસ ફાયર થયું હોવાના કારણે આ ઘટનામાં બે યુવકોને ઇજા થઈ હતી. આ બે યુવકોમાં સંતોષ દુબે અને વિરેન્દ્ર વિશ્વકર્માનો સમાવેશ થાય છે. આ બંનેને સારવાર માટે તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ ડીંડોલી પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને બીએનએસની અલગ અલગ કલમો હેઠળ ઉમેશ તિવારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયા
આરોપી ઉમેશ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે અને રોફ જમાવવા માટે પોતાની સાથે રિવોલ્વર લઈને ફરી રહ્યો હોવાના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ સાથે પણ તેના ફોટા સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે ધરપકડ કર્યા બાદ ડીંડોલી પોલીસ દ્વારા ભાજપના જ કાર્યકર્તા ઉમેશ તિવારીનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું અને રિંકન્ટ્રક્શન માટે તેને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા તપાસ સામે આવ્યું
આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસ દ્વારા તપાસ કરતાં સામે આવ્યું હતું કે ભાજપના કાર્યકર્તા ઉમેશ તિવારી પાસે જે હથિયાર છે તેનું લાઇસન્સ છે. તો બીજી તરફ પોલીસ દ્વારા આ સમગ્ર મામલે એ બાબતની તપાસ કરવામાં આવી રહી છે કે આરોપીને હથિયારનું લાઇસન્સ કયા આધારે આપવામાં આવ્યું હતું. તો પોલીસને એવી આશંકા છે કે ઉમેસે પોતાના હથિયારથી ચાર કરતાં વધારે ફાયરિંગ કર્યા છે હાલ તો આ સમગ્ર મામલે ડીંડોલી પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આરોપી પાસે રહેલો હથિયાર કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: સરસવનું તેલ કરશે વાળને કાળા, આ પાંદડા કરો મિક્સ થશે ડબલ ફાયદો

લોકોના નિવેદન લેવાની કાર્યવાહી
પોલીસ આ ઘટનાની તપાસ ઊંડાઈથી કરવા માટે લગ્ન પ્રસંગમાં હાજર રહેલા લોકોના નિવેદન લેવાની કાર્યવાહી પણ હાથ ધરી છે. તો બીજી તરફ આરોપી પાસે જે હથિયાર હતું તેને કયા આધારે લાયસન્સ આપવામાં આવ્યું છે અને લાયસન્સ આપવાના કયા કારણો અગત્યના છે તે તમામ બાબતો પર હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને જો કોઈ વધુ ગંભીરતા સામે આવશે તો પોલીસ દ્વારા આરોપીના હથિયાનું લાયસન્સ પણ રદ કરવાની કામગીરી કરવામાં આવશે.