March 15, 2025

સુરતમાં બેફામ કારચાલકે 4 વર્ષની બાળકીને કચડી, આરોપીની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કારચાલકની બેદરકારીના કારણે ચાર વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો છે. કારચાલકે ગફલત ભરી રીતે કાર ચલાવી હોવાના કારણે સોસાયટીનો ગેટ બાળકી પર પડ્યો હતો. ત્યારબાદ કારચાલક આ ગેટ પરથી જ કાર ચલાવી ભાગી ગયો હતો. આ ઘટનામાં ગંભીર ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડોક્ટર દ્વારા ચાર વર્ષની બાળકીને મૃત જાહેર કરી હતી. આ ઘટનાને લઈને ગોડાદરા પોલીસ દ્વારા ફૅટલનો ગુનો દાખલ કરી કારચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ચુડા સહકાર આવાસમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા ક્રિષ્ના વિશ્વકર્માની ચાર વર્ષની દીકરી 14 માર્ચ 2025ના રોજ સોસાયટીના ગેટ પાસે રમી રહી હતી. તે સમયે એક કારચાલકે ગફલત ભરી રીતે કાર ચલાવીને સોસાયટીના ગેટને ટક્કર મારી હતી અને કારની ટક્કર લાગતા ગેટ સોસાયટીના વોચમેન ક્રિષ્ના વિશ્વકર્માની 4 વર્ષની દીકરી રનજીતા પર પડ્યો હતો.

બાળકી પર ગેટ પડ્યા બાદ કારચાલકે કાર ઉભી રાખી નહીં પરંતુ કારચાલક બાળકી પરથી જ કાર ચલાવીને ભાગી ગયો હતો. આ ઘટનામાં રનજીતાને ગંભીર ઈજા થઈ હોવાના કારણે તાત્કાલિક તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ડોક્ટરની તપાસમાં સામે આવ્યું હતું કે, આ અકસ્માતની ઘટનામાં બાળકીને મોઢાના ભાગે તેમજ માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી છે અને આ ઈજાના કારણે બાળકીનું મોત થયું છે.

અકસ્માતની આ ઘટનાને લઈને બાળકીના પિતા ક્રિષ્ના વિશ્વકર્મા દ્વારા કારચાલક સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ગોડાદરા પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને BNSની કલમ 281, 225 (A), 106 તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 177 અને 184 મુજબનો ગુનો દાખલ કરી કારચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બીજી તરફ આકસ્માતની ઘટનાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તેમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કારચાલકની બેદરકારીએ આ ચાર વર્ષની બાળકીનો જીવ લીધો અને તહેવારના સમયે જ ચાર વર્ષની દીકરીનું મોત થતા પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થયા અને પરિવારના સભ્યો દ્વારા પણ બાળકીનો જીવ લેનાર કારચાલક સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગણી કરવામાં આવી છે.