ઇન્ડિયન નેવીનું અત્યાધુનિક જહાજ INS સુરત હજીરા બંદરે પહોંચ્યું, બે દિવસ રહેશે

અમિત રુપાપરા, સુરતઃ ઇન્ડિયન નેવીનું અત્યાધુનિક જહાજ INS સુરત હજીરા પોર્ટ ખાતે પહોંચ્યું છે. રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા અને સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલ તેમજ નેવીના ઓફિસરો દ્વારા આ જહાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બે દિવસ સુધી આ જહાજ હજીરા પોર્ટ ખાતે જ રહેશે અને લોકોને પણ જહાજની વિશેષતા તેમજ જહાજ નિહાળવાનો મોકો ઇન્ડિયન નેવી તરફથી આપવામાં આવશે.

INS સુરત જહાજ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. આ જહાજ સબમરીન મિસાઈલ એટેકનો વળતો જવાબ આપી શકે છે. જહાજમાં જે અત્યાધુનિક સિસ્ટમ લગાવવામાં આવી છે તે ઇન્ડિયામાં જ બનાવવામાં આવી છે. જહાજના મિસાઈલ લોન્ચરનું પરીક્ષણ અરબી સમુદ્રમાં ઇન્ડિયન નેવી દ્વારા કરવામાં આવ્યું હતું. તેનો વીડિયો ઇન્ડિયન નેવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અપલોડ કર્યો હતો. ત્યારે હાલ આ જહાજ સુરતના હજીરા અદાણી પોર્ટ ખાતે બે દિવસ સુધી રહેશે.

15 જાન્યુઆરી 2025ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુંબઈના ડોકયાર્ડ ખાતેથી INS સુરત અને અન્ય યુદ્ધ જહાજોને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. 16 અને 18મી સદીમાં સુરત બંદર આંતરરાષ્ટ્રીય વેપાર માટે પ્રસિદ્ધ હતું. તે સમયે સુરતના બંદર પર વિવિધ વેપારી દેશોના વેપારી જહાજો બંદર પર લંગરાતા હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા પણ સૌપ્રથમ ટ્રેડિંગ માટે 16મી સદીમાં સુરતને પસંદ કરવામાં આવ્યું હતું. ત્યારે INS સુરત જહાજ સુરતના દરિયાકિનારા પર આવતા સુરતમાં ઐતિહાસિક વારસાને આજે જીવંત કર્યો હતો અને સુરતનું નામ દેશની નેવીના યુદ્ધ જહાજને આપવામાં આવ્યું તે સુરત માટે પણ ગૌરવની ક્ષણ હતી.

આ જહાજની વિશેષતાની વાત કરવામાં આવે તો જેહાદની અંદર સબમરીન હુમલાને રોકવા માટેની ટોરપોડ સિસ્ટમ લગાવવામાં આવી રહી છે. આ ઉપરાંત હવાઈ મિસાઈલ હુમલાને નિષફળ બનાવવા માટે પણ અલગ સિસ્ટમ લગાવાય છે. જહાજમાં જે સિસ્ટમ લગાવાય છે તે વિમાન ડ્રોન કે મિસાઈલ હુમલા સામે રક્ષણ આપશે. તો આ જહાજમાં ભારતીય સેનાની સૌથી તાકાતવર મિસાઈલ બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ પણ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જેની મારક ક્ષમતા 450 કિલોમીટરથી વધુની છે.

આ જહાજ 7400 ટન વજન ધરાવે છે અને તેની લંબાઈ 163 મીટર છે અને જહાજની સ્પીડ 56 કિલોમીટર પ્રતિ કલાકની છે. તો જહાજની ક્ષમતાની વાત કરવામાં આવે તો તેમાં 50 અધિકારી અને 250 ખલાસી રહી શકે તેવી ક્ષમતા છે અને ચાર ઇન્ટરસેપટર બોટ આ જહાજમાં રાખવામાં આવી છે. તો બીજી તરફ એક જ વખતમાં આ જહાજ 7400 કિલોમીટરની મુસાફરી કરી શકે છે એટલે કે 45 દિવસ સુધી અરબી સમુદ્રમાં ફરી શકે છે.