સુરતમાં છૂટક અફીણ વેચતા વ્યક્તિની ધરપકડ, ખટોદરા પોલીસની કાર્યવાહી

અમિત રુપાપરા, સુરતઃ શહેર પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ડ્રગ્સના કાળા કારોબારને રોકવા માટે સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ડ્રગ્સની સપ્લાય કરતા કે પછી છૂટક રીતે વેચાણ કરતા અનેક ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે ખટોદરા પોલીસે રમકડાની દુકાનની આડમાં છૂટક રીતે અફીણનું વેચાણ કરતા એક ઈસમની ધરપકડ કરી તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતની ખટોદરા પોલીસને બાતમી મળી હતી કે, ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ભટાર ટેનામેન્ટ શાકભાજી માર્કેટ નજીક આવેલા સંકલ્પ શોપિંગ સેન્ટરની એક દુકાનમાં નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે. તેથી ખટોદરા પોલીસની ટીમ દ્વારા 7 એપ્રિલ 2025ના રોજ ભટાર ટેનામેન્ટ શાકભાજી માર્કેટ પાસે આવેલા સંકલ્પ શોપિંગ સેન્ટરમાં આવેલી કવિતા ફેશન નામથી ચાલી દુકાન રહી હતી તેમાં રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, આ દુકાનની અંદર રમકડાની આડમાં અફીણનું વેચાણ થઈ રહ્યું છે.
ખટોદરા પોલીસે દુકાનની અંદર તપાસ કરતા દુકાનમાંથી 800 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. દુકાનમાંથી અફીણ મળ્યું હોવાના કારણે પોલીસે દુકાન માલિક પ્રેમસિંહ રાજપુરોહિતની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, તે આ અફીણનો મુદ્દામાલ મધ્ય પ્રદેશમાં રહેતા નારાયણ પાટીદાર પાસેથી લાવ્યો હતો. તેથી પોલીસે મધ્ય પ્રદેશના નારાયણ પાટીદાર નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે. અફીણ તેમજ અન્ય વનસ્પતિજન્ય માદક પદાર્થ સહિત 1.10 લાખના મુદ્દામાલ સાથે પ્રેમસિંહ રાજપુરોહિતની ધરપકડ કરી છે.