July 4, 2024

Suratની KP સંઘવી પેઢી પર હીરા વેપારીઓને હેરાનગતિ કરવાનો આક્ષેપ, Harsh Sanghaviને રજૂઆત

અમિત રુપાપરા, સુરતઃ શહેરને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ડાયમંડ ઉદ્યોગના અનેક કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. ડાયમંડ ઉદ્યોગનો એક નિયમ હોય છે કે, ઉઠામણા બાદ જો કોઈ વેપારી કંપનીને ચૂકવણું કરે તો વેપારીનું પૂરું પેમેન્ટ આવી ગયું તેવું સમજીને કંપનીએ કોઈ કાર્યવાહી કરવાની હોતી નથી. પરંતુ સુરતની નામચીન હીરા ઉદ્યોગની પેઢી કેપી સંઘવી દ્વારા નાના વેપારીઓ પાસેથી ચૂકવણું લીધા બાદ પણ નાના વેપારીઓના ચેક બેંકમાં બાઉન્સ કરાવીને તેમને જેલમાં મોકલી રહ્યા છે. આ બાબતે 250 જેટલા લોકો મહિલાઓ સાથે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ આગામી દિવસોમાં બાબતે નિવેડો લાવવા માટે બાંહેધરી આપી છે.

હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા વેપારીઓ મંદીના કારણે નુકસાની થતા ઉઠામણું કરી રહ્યા છે. ત્યારે 6 વર્ષ પહેલાં જ કેપી સંઘવી નામની હીરા પેઢીની સાથે વેપાર કરતા 30 વેપારીઓએ નુકસાની થતા ઉઠામણું કર્યું હતું. ત્યારબાદ કંપની ખાતે ચૂકવણું કરવાનું નક્કી કરી સમાધાન કર્યું હતું અને જે તે વખતે નાના-નાના વેપારીઓએ પોતાના ઘરમાં રહેલા દર દાગીનાઓ વેચીને કેપી સંઘવી કંપનીને ચૂકવણું કરી દીધું હતું. ત્યારબાદ કંપનીએ પેમેન્ટ ઓડિટ કરવા માટે અને ઇન્કમટેક્સમાં દેખાડવા માટે માત્ર ફોર્માલિટી માટે વેપારીઓ પાસેથી ચેક લીધા હતા. પરંતુ ચેક લીધા બાદ કેપી સંઘવી કંપની દ્વારા વેપારીઓના ચેકને બેંકમાં જમા કરાવીને બાઉન્સ કરાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ગરમીથી ત્રાહિમામ્: હીટવેવની આગાહીને પગલે શાળામાં વેકેશન લંબાવવા રજૂઆત

ત્યારબાદ ચેક બાઉન્સની પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવી હતી અને જેમાં નાના નાના વેપારીઓ જેમ તેમ કરીને પરિવારનો ગુજરાન ચલાવતા હતા. તેમને જેલભેગા પણ કરવામાં આવ્યા હતા અને હાલ પણ હજુ બે હીરાના નાના નાના વેપારીઓ જેલમાં છે. ત્યારે કેપી સંઘવી દ્વારા આ પ્રકારની બેવડી નીતિ અપનાવતા વેપારીઓના પરિવારના સભ્યો ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવા માટે સુરત સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા.

અગાઉ આ તમામ લોકોએ ડાયમંડ એસોસિએશને રજૂઆત કરી હતી. તે સમયે એસોસિએશન દ્વારા તમામ લોકોની રજૂઆતો સાંભળવામાં આવી હતી અને ત્યારબાદ કેપી સંઘવી પેઢીના માલિક સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી હતી. વાતચીત દરમિયાન આગામી દિવસોમાં કોઈ નિવેડો લાવવાની વાત કેપી સંઘવી પેઢી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ રજૂઆતનું આજદિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. વેપારીઓના પરિવારના સભ્યોની માગણી એક જ છે કે હીરા ઉદ્યોગમાં જે રીતે ચૂકવણું થાય છે, તે પ્રકારે ચૂકવણું કરી દીધા બાદ કોઈ કાર્યવાહી પેઢી દ્વારા કરવામાં આવતી નથી. કેપી સંઘવી દ્વારા વિશ્વાસઘાત કરીને ચૂકવણું લીધા પછી પણ આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવે છે અને પોલીસકેસ પણ કરવામાં આવે છે. ત્યારે આ પ્રકારની હેરાનગતિ બંધ થવી જોઈએ. કારણ કે હાલ હીરા ઉદ્યોગમાં મંદી છે અને પરિવારનું ગુજરાન ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલ છે.

આ પણ વાંચોઃ 100ની સ્પીડે કાર ચલાવી સગીરે અકસ્માત સર્જ્યો, 16 વર્ષીય સગીરને ઉડાવતા હોસ્પિટલ ખસેડાઈ

હાલ આ પરિવારના તમામ સભ્યો દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવામાં આવી હતી કે, આ બાબતે કોઈ નિવેડો લાવવામાં આવે. ત્યારે હર્ષ સંઘવી દ્વારા તમામ લોકોને બાંહેધરી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં પંચોની સાથે કેપી સંઘવીની એક બેઠક યોજવામાં આવશે અને આ બેઠકમાં તમામ પરિવારોને ન્યાય મળે તેવું નિરાકરણ લાવવામાં આવશે.