February 24, 2025

લસકાણામાં ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત, એક વ્યક્તિની ધરપકડ

સુરતઃ લસકાણામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. લુમ્સ ખાતાના એકાઉન્ટ મેનેજરની કાર અડફેટે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કારચાલક અર્જુન વિરાણી દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો.

ત્યારે મોટરસાયકલ સવાર રાજેશ ગજેરા, તેની બહેન શોભના ગજેરા સહિત અન્ય વ્યક્તિ મહેશ લાઠીયાનું આ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. ગતરોજ સાંજના ચાર વાગ્યાના સમય દરમિયાન અકસ્માત થયો હતો. કારચાલક અને લુમ્સ ખાતાના એકાઉન્ટન્ટ મેનેજર અર્જુન વિરાણીની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના અંગે સુરત ડીસીપી આલોક કુમારે નિવેદન આપી જણાવ્યુ છે કે, ‘અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિઓનાં મોત થયા હતા. આ ઘટનામાં કારચાલક અર્જુન વિરાણીની ધરપકડ કરી છે. આરોપીના જરૂરી બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં કારચાલક નશાની હાલતમાં નહોતો. આરોપી વિરુદ્ધ સાઅપરાધ મનુષ્ય વધના ગુના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.’