July 4, 2024

રોંગ સાઇડ વાહન ચલાવનારા 483 વાહનચાલકોના લાયસન્સ રદ થશે

અમિત રુપાપરા, સુરતઃ રોંગ સાઈડમાં વાહન હંકારનારા ચાલકો હવે ચેતી જજો. કારણ કે, સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનચાલકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની સાથે સાથે તેમના લાઇસન્સ રદ કરવા માટેની કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. માત્ર એક અઠવાડિયાની અંદર સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં વાહન હંકારનારા 483 વાહનચાલકોના લાઇસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ સુરત આરટીઓ વિભાગને કરવામાં આવ્યો છે.

એટલું જ નહીં, પરંતુ હમણાં સુધી રોંગ સાઈડમાં વાહન ચલાવનારા એક લાખથી પણ વધુ વાહનચાલકોના લાઇસન્સ રદ કરવા માટેનો રિપોર્ટ પણ આરટીઓને કરવામાં આવ્યો છે. પાંચ કરતાં વધુ વખત ઈ-ચલાન જે વાહન ચાલકોના જનરેટ થયા હશે તેવા વાહનચાલકોના લાયસન્સ રદ કરવા સુધીની ચીમકી શહેર ટ્રાફિક ડીસીપી દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

આ પણ વાંચોઃ ભારેથી અતિભારે વરસાદની આગાહી, અઠવાડિયા સુધી સાર્વત્રિક વરસાદની આગાહી

સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. આઠ દિવસ દરમિયાન 483 વાહનચાલકોના લાયસન્સ રદ કરવા RTOમાં રીપોર્ટ કરવામાં આવ્યો છે. રોંગ સાઈડમાં વાહન ચલાવનારા લોકો સામે શહેર ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. ટ્રાફિકના નિયમોનું ભંગ કરનારા વાહનચાલકો સામે આ કડકાઈ શરૂ કરવામાં આવી છે. શહેરમાં કુલ 80 જેટલી ટીમો બનાવી દરેક રિજન સર્કલ અને સેમી સર્કલ તરફથી રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

15મી જુનથી 22મી જુન આઠ દિવસ દરમિયાન 1721 વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા છે. જ્યારે 483 રોંગ સાઈડમાં વાહન ચલાવનારા વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. સૌપ્રથમ રોંગ સાઈડથી અકસ્માતો થાય છે તે ઘટાડવા પ્રયાસ શરૂ કર્યો છે. આ કાર્યવાહી અંગે સુરત ડીસીપી અમીતા વાનાણીએ જણાવ્યું હતું કે, રોંગ સાઈડમાં વાહન હંકારતા ચાલકો સામે એફઆઈઆર લોન્ચ કરશે. પાંચથી વધુ વખત ઇ-ચલણ જનરેટ થયા હશે તેવા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા RTOને રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે.

એક અઠવાડિયામાં રોંગ સાઈડમાં વાહન હંકારતા 483 વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા રિપોર્ટ કર્યો છે. આવા 1 લાખથી પણ વધુ વાહનચાલકોના લાયસન્સ રદ કરવા રિપોર્ટ કર્યો છે. ટ્રાફિકની કડક અમલવારી બાદ ટ્રાફિક વ્યવસ્થામાં મોટો સુધાર આવ્યો છે. રોંગ સાઈડમાં વાહન હંકારવાના કારણે બનતી અકસ્માતની ઘટનાઓને અટકાવવા અમારો પ્રયાસ છે.