સુરતના મહુવામાં તાલુકા વિકાસ અધિકારી પર હુમલો, બીજી વખત બની ઘટના
કિરણસિંહ ગોહિલ, સુરતઃ જિલ્લાના મહુવામાં તાલુકા વિકાસ અધિકારી ઉપર હુમલા પ્રકરણના ઘેરાં પ્રત્યાઘાત પડ્યા છે. સતત બેવાર તાલુકા પંચાયતના ચૂંટાયેલા વિપક્ષી સભ્ય પરિમલ પટેલે ફરી તાલુકા વિકાસ અધિકારીને માર મારતા હવે તાલુકાના તલાટી મંડળે આ ઘટનાને વખોડીને બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
સુરત જિલ્લાના મહુવા પંથકમાં મહુવા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા વિપક્ષના સભ્ય પરિમલ પટેલે તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં પ્રવેશીને તાલુકા વિકાસ અધિકારીને માર માર્યો હતો. ત્યારબાદ ફરાર થઈ ગયા હતા. ગત બે માસ પહેલા પણ આ સદસ્યએ તાલુકા વિકાસ અધિકારી પર હુમલો કરી માર મારવાની ઘટના બની હતી. જેથી હવે તાલુકાના અન્ય અધિકારીઓમાં પણ ભય ફેલાયો છે. હવે તાલુકા વિકાસ અધિકારી ઉપર હુમલાની ઘટનામાં તલાટી મંડળ સમર્થનમાં આવ્યું છે અને તલાટી મંડળે પણ સમગ્ર ઘટનાને વખોડી છે.
મહુવા તાલુકા વિકાસ અધિકારી ઉપર સતત બેવાર માર મારવાની અને હુમલાની ઘટના બનતા હવે તાલુકાના સરકારી કર્મચારીઓમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે. જેથી આજે મહુવા તાલુકાના તલાટી મંડળમાં જોડાયેલા સૌ સભ્યો બારડોલી પ્રાંત કચેરી ખાતે આવ્યા હતા અને સમગ્ર ઘટનાને વખોડીને તલાટી મંડળ દ્વારા બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી જેવા અધિકારીઓ જ સુરક્ષિત ના હોય તો તાલુકામાં ફરજ બજાવતા અન્ય સરકારી કર્મચારીઓની સુરક્ષા અંગે પણ મોટો પ્રશ્ન ઉભો થયો છે.