June 16, 2024

કાળઝાળ ગરમી વચ્ચે Suratના માંડવીના વડેશિયા ગામમાં પાણીની સમસ્યા વિકટ

કિરણસિંહ સોલંકી, સુરતઃ કાળઝાળ ગરમીમાં જિલ્લાના માંડવી તાલુકાના વડેશિયા ગામે પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઉદ્દભવ્યો છે. ગામના બોર, હેડપમ્પ છે પરંતુ પાણી નથી. એક જ ફળિયામાં માંડ એક-બે બોર ચાલતા હોવાથી ત્યાંથી ચાલીને પાણી લેવા જવું પડે છે. બે વર્ષથી રજૂઆત પણ છતાં ઉકેલ આવ્યો નથી.

રાજ્યના આદિવાસી વિસ્તારોમાં વાત ભલે વિકાસની અને સુવિધાઓની થાય. પરંતુ ખેતીવાડી, ઉદ્યોગથી હર્યું ભર્યું રહેતું દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારો પાણી વગર વલખાં મારી રહ્યા છે. સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાની આ વાત છે. માંડવી તાલુકાના વડેશિયા ગામમાં એકાદ મહિનાથી પીવાના પાણીની અછત સર્જાતા લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે. હાલની કાળઝાળ ગરમીને કારણે લોકો પાણી ન મળતા ત્રાહિમામ પોકારી ઊઠ્યાં છે.

વડેસિયા ગામે પાણી પૂરું પાડવાનો અન્ય કોઈ સ્ત્રોત પણ ન હોવાને કારણે રહીશો મહામુસીબતે દૂર દૂરથી પાણી લાવી તેઓ સંગ્રહ કરી લે છે. પીવાના પાણીથી માંડી કપડાં ધોવા સહિત પાણી અભાવે ભરઉનાળે દર વર્ષે આ સમસ્યાનો રહીશો સામનો કરે છે. તેમજ પીવાનું પાણી તો ઠીક પરંતુ અહીં મુખ્ય ધંધો પશુપાલન પણ છે, ત્યારે પશુઓ માટે પણ પીવાના પાણીની મોટી સમસ્યા ઉભી થઈ છે. ગામમાં 79 બોર છે, પરંતુ હાલ 32 બોર જ ચાલુ છે એ પાણીના બોરમાંથી ફક્ત 2 ડોલ જ પાણી આવે છે. આ કારણે ગ્રામજનોને ગામમાં 2 બોર ચાલુ છે, તેનાથી પાણી લેવાની ફરજ પડે છે અને બીજા પાણીના બોરની કેટલાક સમયથી યોગ્ય માવજત ન થતાં ભંગાર હાલતમાં છે. જેના પગલે હાલમાં લોકોને પાણીની બીજી કોઈ વ્યવસ્થા નથી.

માંડવીના વડેશિયા ગામે આસપાસ 3થી વધુ ડેમ આવેલા છે અને કેનાલ આવેલી છે. તેનું પાણી સુરત જિલ્લો તો ઠીક પરંતુ અંકલેશ્વર અને હાંસોટ સુધી લઈ જવાય છે. પરંતુ ડેમને 20 કિમીના અંતરે આવેલા આ ગામો આજે પણ પાણી વગર તરસ્યા છે અને ડેમોનું પાણી આવા ગામો સુધી લઈ જવા અત્યાર સુધી કહેવાતી વિકાસશીલ સરકાર કે સરકારના પ્રતિનિધિઓ કે અધિકારીઓએ પ્રયાસો કર્યા નથી.

આ પણ વાંચોઃ લોકગાયિકા રાજલ બારોટે કરી સગાઈ, જુઓ તસવીરોમાં

વડેસિયા ગામની વાત કરી એ તો, કરુણતા એ છે કે ગામમાં પાણી માટે 70થી વધુ બોર કર્યા છે. 68થી વધુ હેડપમ્પ છે. એક વર્ષો જૂની મોટી પાણીની ટાંકી છે. 20 નાની ટાંકીઓ, 22 કૂવાઓ પણ છે જે નિર્જીવ હાલતમાં છે. પરંતુ પાણી હજુ સુધી ગામને મળી શક્યું ન હોવાની પણ રહીશો ફરિયાદ કરી રહ્યા છે. ગામમાં જળસ્ત્રોત નથી રહ્યાં અને હાલમાં જે ચાલુ છે, તે બોરવેલના સ્તર દર વર્ષે 50 ફૂટ ઉંડા ઉતરતા જાય છે. તે માટે કોઈ ચોક્કસ અને કાયમી નિકાલ માટે જૂથ યોજનાનું પાણી કોઈપણ સંજોગોમાં ચાલુ કરવામાં આવે તેમજ પશુપાલનમાં જોડાયેલા લોકોને રાહત માટે ગામમાં તળાવ કે પાઈપ લાઈન દ્વારા જૂના કુવાઓ ભરાય તેવી પણ માગ કરવામાં આવી છે.

ગામમાં બીજી મહત્વની વાત એ છે કે, પંચાયતમાં સરપંચની ટર્મ પૂરી થયા બાદ ફરી ચૂંટણી કરવામાં આવી નથી અને સરપંચ વગર જ ગામ ચાલી રહ્યું છે. જેથી ગામની રજૂઆત પણ કોઈ સાંભળવા તૈયાર નથી. આ પાણીની સમસ્યા બાબતે રજુઆત કરતા વહીવટદારના વહીવટથી ગ્રામ કાર્યવાહી કરવા બાંહેધરી આપી હતી. આ બાબતે નાયબ ક્લેક્ટર દ્વારા પાણી સમિતિ દ્વારા જરૂરી તપાસ કરાવી જરૂર જણાયે પાણીના ટેન્કરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સાત દિવસમાં રિપોર્ટ કરવા જણાવવામાં આવ્યું છે. ત્યારે ગ્રામજનો તંત્ર દ્વારા પાણી સમસ્યા દૂર કરે એવી આશા સેવી રહ્યા છે.