સુરત પાસે નેશનલ હાઇવે-56 પર કોંગ્રેસી નેતાઓનો વિરોધ, અઢી કલાકથી ચક્કાજામ
સુરતઃ નેશનલ હાઇવે 56 પર કોંગ્રેસી નેતાઓએ હલ્લાબોલ મચાવી ચક્કાજામ કર્યો છે. છેલ્લા અઢી કલાકથી હાઇવે બંધ છે. ત્યારે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને વાહનચાલકોને મોટા પ્રમાણમાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
માંડવીના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય આનંદ ચૌધરીની આગેવાનીમાં ચક્કાજામ કરવામાં આવ્યો છે. સ્થાનિકો ટસથી મસ ન થતા હાઇવે પર હલ્લાબોલ મચાવી ટ્રાફિક જામ કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ માંડવી મામલતદારની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આ મામલે હાઇવે ઓથોરિટીના અધિકારી સાથે વાતચીત કરી રહ્યા છે.
કોંગ્રેસ આગેવાનોની એક જ માગ છે કે, લેખિત બાંહેધરી નહીં આપવામાં આવે ત્યાં સુધી રસ્તા પરથી હટીશું નહીં. ઊચ્ચ પોલીસ અધિકારી અને વહીવટી તંત્ર સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. રસ્તા પર બેઠેલા કોંગ્રેસી કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે કોંગી નેતા આનંદ ચૌધરીને પોલીસ વાહનમાં બેસાડતા કાર્યકરોએ હલ્લાબોલ કર્યો હતો.