માંગરોળ નજીકથી કેમિકલ કૌભાંડ ઝડપાયું, ટેન્કર સહિત 4ની ધરપકડ

કિરણસિંહ ગોહિલ, સુરતઃ ગ્રામ્ય વિસ્તારમાં હાઇવેની હોટલ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા ટેન્કરોમાંથી ચોકીદાર અને ટેન્કર ડ્રાયવર મળી ટેન્કરમાંથી કેમિકલ સગેવગે કરવામાં આવતું હતું. સુરત ગ્રામ્ય LCB અને પેરોલ ફરલોની ટીમે સંયુક્ત ઓપરેશન કરી મસમોટું કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પોલીસે ઘટનાસ્થળેથી ચાર ટેન્કર, કેમિકલનો જથ્થો, સાધનો મળી 2 કરોડથી વધુના મુદ્દામાલ સાથે ચારને ઝડપી પાડ્યા હતા.
કોસંબા પોલીસના જાપ્તામાં ઉભેલા આ ચાર આરોપી કેમિકલ ચોરીના આરોપી છે. ગુજરાતની અલગ અલગ કંપનીમાંથી કિંમતી કેમિકલ ભરી નીકળેલા ટેન્કરો કોસંબા પોલીસની હદમાં આવેલા ચૌધરી પેલેજ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા ટેન્કરોમાંથી કિંમતી કેમિકલ સગેવગે કરતા હોવાની બાતમી સુરત એલસીબી પોલીસ અને પેરોલ ફરલોના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી. આ બાતમીના આધારે સંયુક્ત રેડ કરતા ઘટનાસ્થળે ટેન્કરોમાંથી કેમિકલ ચોરી કરતા ચાર ઝડપાયા હતા. જેમાં એક ચોકીદાર અને ત્રણ ટેન્કરના ડ્રાયવર હોવાનું બહાર આવ્યું હતું. જો કે, માસ્ટર માઇન્ડ બેને વોન્ટેડ જાહેર કરી પોલીસ બંને ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આરોપીઓની કેમિકલ ચોરીની મોડ્સ ઓપરેન્ડી એવી હતી કે, કંપનીમાંથી કિંમતી કેમિકલ ભરી નીકળતા ટેન્કરચાલકો માંગરોળ તાલુકાના સાવા ગામની સીમમાં નેશનલ હાઇવે 48 પર આવેલી ચૌધરી પેલેસ નામની હોટલ કમ્પાઉન્ડમાં કેમિકલ ભરેલા ટેન્કરો પાર્ક કરતા હતા. ત્યારે ત્યાંનો વોચમેન ટેન્કરના ડ્રાયવર સાથે મળી ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરતા હતા અને ચોરેલું કેમિકલ બારોબાર વેચી મારતા હતા. ટેન્કરચાલકોને અમુક રકમ આપવામાં આવતી હતી. છેલ્લા કેટલા સમયથી આ કેમિકલ કૌભાંડ ચાલતું હતું. પરંતુ જિલ્લા પોલીસે રેડ કરી કેમિકલ માફિયાઓને ખુલ્લા પાડી દીધા છે.
પોલીસે ઘટનાસ્થળેથી ચોકીદાર સતાર ટેન્કરચાલક ભૂરારામ ચૌધરી, સુરેશ શાહુ, રામારામ જાટને ઝડપી પાડ્યા હતા. જ્યારે માસ્ટર માઇન્ડ જાલીમ અને ઇમરાનને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ કરી રહ્યા છે.