June 28, 2024

સુરત સિવિલનું જૂનું બિલ્ડિંગ જર્જરિત, ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં

અમિત રુપાપરા, સુરતઃ શહેરના ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ ગણાતી નવી સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ લોકો માટે જીવનું જોખમ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જૂની બિલ્ડીંગ ખૂબ જ જર્જરીત થઈ હોવાના કારણે અવારનવાર સ્લેબના પોપડા પડવાની ઘટના સામે આવી છે. ત્યારે થોડા દિવસ પહેલા જ ડાયાલિસિસ કરાવતી એક મહિલા પર સ્લેબના પોપડા પડ્યા હતા. જો કે, સદ્નસીબે આ ઘટનામાં મહિલાને મોટી ઈજા થઈ ન હતી. તો બીજી તરફ, ડાયાલિસિસ વોર્ડના પાછળના ભાગે આવેલો પિલ્લર થોડા દિવસો પહેલા ધડાકાભેર ધરાસાઈ થયો હતો અને ત્યારબાદ આ પિલ્લરની જગ્યા પર બે લોખંડના થાંભલા મૂકીને બિલ્ડિંગને ટેકો આપવામાં આવ્યો છે. તો જૂની બિલ્ડિંગના મોટાભાગના પિલ્લરો પણ ફાટી ગયા છે. ત્યારે જોવાનું એ રહે છે કે, ક્યાં સુધી દર્દીઓ આ જૂની બિલ્ડિંગમાં જીવના જોખમે સારવાર લેતા રહેશે.

સુરતની નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં દર્દીઓ જીવના જોખમે સારવાર લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે, જૂની બિલ્ડિંગ એકદમ જર્જરીત થઈ ગઈ છે અને હોસ્પિટલના તમામ પિલ્લરો ખૂબ જ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ત્રણથી ચાર દિવસ પહેલા જૂની સિવિલ હોસ્પિટલના જી ઝીરો વોર્ડમાં ડાયાલિસિસ કરાવતી એક મહિલા પર સ્લેબના પોપડાં પડ્યા હતા. આ ઘટનામાં મહિલાને કોઈ મોટી ઈજા થઈ ન હતી પરંતુ અવારનવાર નવી સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં આ જ પ્રકારે સ્લેબના પોપંડા પડવાની ઘટના સામે આવે છે.

આ પણ વાંચોઃ સવારે 2 કલાકમાં 52 તાલુકામાં વરસાદ, ડેસરમાં જળબંબાકાર

હોસ્પિટલ સ્ટાફના કહેવા અનુસાર થોડા દિવસો અગાઉની ઝી ઝીરો વોર્ડની દિવાલની પાછળના ભાગે આવેલો પિલ્લર ધડાકાભેર પડ્યો હતો. ત્યાં બે લોખંડના પાઇપ વડે બિલ્ડિંગને ટેકો આપવામાં આવ્યો છે. બિલ્ડિંગની વાત કરવામાં આવે તો સ્ટ્રક્ચર ખૂબ જર્જરીત થયું છે. ગ્રાઉન્ડ લેવલથી ત્રીજા માળ સુધી બિલ્ડિંગના મોટાભાગના પિલ્લરો ફાટી ગયા છે. પહેલા તો માત્ર છતના પોપડાં પડતા હતા. પરંતુ હવે પિલ્લરો પણ એકપછી એક ધરાસાઈ થઈ રહ્યા છે એટલે સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ ગમે તે સમયે મોટી હોનારત સર્જી શકે તેવી પરિસ્થિતિમાં દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ

મહત્વની વાત છે કે, નવી સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં પ્રતિદિન અનેક દર્દીઓ સારવાર લેવા માટે આવે છે અને આ ગરીબ દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ આશીર્વાદરૂપ ગણાય છે. પરંતુ અહીં આ આશિર્વાદરૂપ હોસ્પિટલ દર્દીઓ માટે જીવના જોખમનું કારણ બનતી હોય તેવું લાગી રહ્યું છે. સિવિલ હોસ્પિટલના પ્રશાસન દ્વારા અગાઉ મોટી મોટી વાતો કરવામાં આવી હતી કે, જૂની બિલ્ડિંગમાં જે વોર્ડ ચાલી રહ્યા છે તેને એકપછી એક નવી બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવશે. પરંતુ આ કામ ગોકળગતિએ ચાલી રહ્યું છે અને તેના જ કારણે જૂની બિલ્ડિંગમાં જે વોર્ડમાં દર્દી સારવાર લઈ રહ્યા છે તે જીવના જોખમે સારવાર લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

નામ ન આપવાની શરતે સિવિલ હોસ્પિટલના જ સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ જૂની બિલ્ડિંગમાં કામ કરતા અમને પણ ખૂબ જ ડર લાગી રહ્યો છે. કારણ કે ગમે તે સમયે બિલ્ડિંગનો ગમે તે ભાગ ધરાશાયી થાય છે અને હવે બિલ્ડિંગ એટલું જર્જરિત બની ગયું છે કે ગમે તે સમયે પડી શકે છે. હોસ્પિટલના સત્તાધીશોને નવી બિલ્ડિંગમાં ખસેડવા માટે અગાઉ લેખિતમાં અરજીઓ આપવામાં આવી છે. પરંતુ ધીમી ગતિએ કામ થતું હોવાના કારણે નવી બિલ્ડિંગમાં આ વોર્ડને શિફ્ટ કરી શકાતો નથી.