સુરતનો દોઢ કરોડનો ડિજિટલ એરેસ્ટ કેસ, વધુ 4 આરોપીની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ ડાયમંડ સિટી સુરતમાં સિનિયર સિટીઝનને દોઢ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ અને CBIના નામે ધાકધમકી આપી રૂપિયા 1.05 કરોડ પડાવી લેવાના કેસમાં વધુ ચાર આરોપીઓની સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ પહેલા મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે આરોપીઓની તપાસમાં અન્ય નામો ખુલતા વધુ ચારની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ફ્રોડ આચરતી ગેંગ દ્વારા સિનિયર સિટીઝનને મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. જ્યાં એક કરોડથી વધુની રકમ પડાવી છેતરપિંડી કરવામાં આવી હતી. આ છેતરપિંડીથી મેળવવામાં આવેલા નાણા હાલ ઝડપાયેલા આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાયા હતા.

સુરત સાયબર ક્રાઇમે ઝડપાયેલા આરોપીઓના નામ નરેશ હીરાભાઈ રાઘુભાઈ ચૌહાણ, સંજય કુમાર વાલજીભાઈ કાનજીભાઈ સોલંકી, અબ્દુલ રહેમાન ઈદરીશભાઈ અબ્દુલ રહેમાન શેખ અને હર્ષ પ્રવીણભાઈ કરશનભાઈ પરમાર છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતના સિનિયર સિટીઝનને સાઇબર ફ્રોડ આચરતી ગેંગ દ્વારા ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા. સાઇબર ક્રિમિનલ દ્વારા સિનિયર સિટીઝનને વીડિયો કોલ કરવામાં આવ્યા હતા. જેમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ અને CBIના નામે ઓળખ આપી ધમકાવવામાં આવ્યા હતા. તેમને ધમકી આપવામાં આવી હતી કે, મની લોન્ડરિંગ કેસમાં તમારા બેન્ક મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. આ મની લોન્ડરિંગ કેસમાં તમારા બેંક મેનેજર દ્વારા તમારું નામ આપવામાં આવ્યું છે. જે અંગે તમારી પણ પૂછપરછ કરવી પડશે. જેથી તમારા બેંક એકાઉન્ટ સહિતની ડિટેઇલ અમને મોકલી આપો. આમ કહી સુરતના સિનિયર સિટીઝનને સતત દોઢ મહિના સુધી ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 1.5 કરોડ અલગ અલગ બેંક ખાતાઓમાં પડાવી લેવામાં આવ્યા હતા.

ડિજિટલ એરેસ્ટનો ભોગ બનેલા સિનિયર સિટીઝનની ફરિયાદના પગલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. સાયબર ક્રાઇમ સેલની તપાસ દરમિયાન અગાઉ અમદાવાદના ઠક્કરનગરમાં આવેલા ઇન્દ્રજીત પાર્ક સોસાયટીમાં રહેતી કૈલાશબેન અનિલભાઈ કરમશીભાઈ ભંડેરી અને અમદાવાદના નિકોલ સ્થિત સહજાનંદ એવેન્યુમાં એસી રીપેરીંગની ઓફિસ ધરાવતા રીધેશ રમેશભાઈ વશરામભાઈ અંટાળાની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને આરોપીઓની ધરપકડ કરી ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, મહિલા આરોપી કૈલાશબેન અમદાવાદ ખાતે લોકોને શેરબજાર અંગેની ટીપ આપે છે. જ્યારે રીધેશ એસી રીપેરીંગના કામકાજ સાથે સંકળાયેલા છે. કૈલાશબેન દ્વારા પોતાનું બેન્ક એકાઉન્ટ રીધેશને 22 હજારના ભાડા પટ્ટા પર આપ્યું હતું. આ બેંક એકાઉન્ટ માટે રૂપિયા બે લાખ પણ લીધા હતા. આ બેંક એકાઉન્ટ ઉતરપ્રદેશ સ્થિત મુઝફરાબાદના હુસેન નામના વ્યક્તિને આપ્યું હતું. આ બેંક એકાઉન્ટની કીટ રીધેશ દ્વારા આરોપી હુસેનને ઉત્તર પ્રદેશ જઈ પહોંચાડવામાં આવી હતી.

સાયબર ક્રાઇમ સેલની તપાસમાં જાણવા મળ્યું હતું કે, રીધેશ દ્વારા કૈલાશબેન પાસેથી આ બેન્ક એકાઉન્ટ તેણે ભાડે મેળવ્યું હતું. આ બેંક એકાઉન્ટની અંદર સુરતના સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી મેળવવામાં આવેલા 1.5 કરોડ પૈકીના 25 લાખ રૂપિયા જેટલી રકમ આ બેન્ક એકાઉન્ટમાં જમા થયા હતા. જેથી ડિજિટલ એરેસ્ટ દ્વારા ખોટી રીતે અને ગુનો કરી મેળવવામાં આવેલા લાખો રૂપિયાની રકમ અમદાવાદની મહિલા આરોપી કૈલાશબેનના બેન્ક એકાઉન્ટમાં જમા થયા હતા. જે બેંક એકાઉન્ટમાં રહેલી લાખોની રકમ આગળના આરોપીઓએ વીડ્રો કરી અથવા તો અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી.

વધુમાં આરોપીઓની પૂછપરછમાં અન્ય ચાર આરોપીઓના નામ ખુલવા પામ્યા હતા. જેની તપાસ કરી રહેલી સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા વધુ ચાર આરોપીઓની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓમાં નરેશ હીરાભાઈ રાઘુભાઈ ચૌહાણ, સંજય કુમાર વાલજીભાઈ કાનજીભાઈ સોલંકી, અબ્દુલ રહેમાન ઈદરીશભાઈ અબ્દુલ રહેમાન શેખ અને હર્ષ પ્રવીણભાઈ કરશનભાઈ પરમારની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓના બેન્ક એકાઉન્ટમાં ડિજિટલ એરેસ્ટથી મેળવવામાં આવેલા નાણા હાલ ઝડપાયેલા આરોપીઓના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા.

નરેશ હીરાભાઈ ચૌહાણના બેંક ખાતામાં રૂપિયા 9.90 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાયા હતા. જે બેંક એકાઉન્ટ નરેશ ચૌહાણ દ્વારા સંજય સોલંકી પાસેથી ત્રણ હજાર કમિશન લઈ બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યું હતું. તેવી જ રીતે સંજય સોલંકીએ આરોપી નરેશ ચૌહાણનું સેવિગ્સ એકાઉન્ટ ખોલાવ્યું હતું અને એટીએમ, ચેકબુક સહિત પાસબુક આરોપી હર્ષ પ્રવીણભાઈ કરશનભાઈ પરમારની બેંકની કીટ પહોંચાડી હતી. ઇલેક્ટ્રિશિયન આરોપી અબ્દુલ રહેમાન ઈદ્રીશ અબ્દુલ રહેમાન શેખના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડના દસ લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. જે બેન્ક એકાઉન્ટ ફરાર આરોપી સલીમ પાસેથી ત્રણ હજાર કમિશન લઈ ભાડે આપ્યું હતું.

જે બેંક એકાઉન્ટની કીટ ફરાર આરોપી સલીમને આપી હતી. આ સાથે જ આરોપી હર્ષ પરમારે અન્ય આરોપી નરેશ ચૌહાણને બેન્ક એકાઉન્ટ ખોલાવી આપ્યું હતું. જે બેંક એકાઉન્ટ ખોલાવવા માટે સંજય સોલંકી પણ બેંકમાં ગયો હતો. જે બેંક એકાઉન્ટ ખોલાવી બેંકની કીટ હર્ષ પરમારને આપી હતી. હર્ષ પરમારે 5000 કમિશન લઈ બેન્ક એકાઉન્ટ ફરાર આરોપી મોઇન નાગોરીને આપ્યું હતું.

સુરતના સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 1.5 કરોડ પડાવવાના કેસમાં સાયબર ફ્રોડ આચરતી ગેંગના ચાર આરોપીઓની ધરપકડ કરવામાં સુરત સાયબર ક્રાઇમ સેલને સફળતા હાથ લાગી છે. જો કે, હજી પણ આ કેસમાં અન્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. જે આરોપીઓની ધરપકડ બાદ ડિજિટલ એરેસ્ટ જેવા અન્ય ગુના ઉકેલાવાની સંભાવના પણ રહેલી છે.